બક્ષીયતઃ એક દૌર
હું એક જ છુ. મારા જેવો બીજાે નથી ભૂતકાળમાં હતો નહી
ભવિષ્યમાં થશે નહી. – ચંદ્રકાંત બક્ષી
બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, અને કુમારાવસ્થા જેમણે વધુ કલકતાના પ૬, બડતલ્લા સ્ટ્રીટમાં ગુજાર્યા હતાં, એવા ચંદ્રકાંત કેશવલાલ બક્ષીનો જન્મ ર૯ ઓગસ્ટ ૧૯૩ર ના રોજ પાલનપુરમાં જૈન કુટુંબમાં થયો હતો. તેઓ કેશવલાલ અને ચંચળબેનનાં બીજા પુત્ર હતા.
બક્ષી હંમેશા કહેતા કે “હું ત્રણ ભૂતકાળ જીવ્યો છુ” પાલનપુર, કલકતા અને મુંબઈમાં.” પ્રારંભનું શિક્ષણ તેમણે પાલનપુર અને કલકતામાં લીધું હતું. બી.એ, એલ.એલ.બી, એમ.એ સુધીનો અભ્યાસ કરનાર બક્ષીએ એમ.એ રાજકારણ અને ઈતિહાસ વિષયો લઈને કર્યું હતું.
“અને એક સાંજે હું ચાલ્યો જઈશ ધુમાડો પહેરીને.. ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે.”
– ચંદ્રકાંત બક્ષી
લખવાની અનોખી શૈલી માટે જાણીતા અને બક્ષીબાબુના હુલામણા નામથી જાણીતા બક્ષીએ કલકતામાં જ સ્થાયી થઈ ૧ર વર્ષ કપડાની દુકાન અલકા સ્ટોરમાં કામ કર્યું ને ત્યાં જ તેમણે પોતાની પહેલી વાર્તા “મકાનનાં ભૂત” લખી.
૧૯૭પમાં તેમનું પ્રથમ પુસ્તક “પડઘા ડૂબી ગયાં” નવલકથા હતી. ૧૯૬૯માં મુંબઈમાં સ્થાયી થયેલા બક્ષી વ્યવસાયે લેખક, અધ્યાપક અને જાહેર વક્તા હતા. ઈતિહાસ અને રાષ્ટ્રવિજ્ઞાનના અધ્યાપક તરીકે ૧૯૭૦ થી ૧૯૮૦ સુધી તેઓ મીઠીબાઈ કોલેજ તથા મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં કાર્યરત રહ્યા.
તેઓ યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય હતા. ૧૯૮૦-૮ર સુધી તેઓ મુંબઈની એલ.એસ. રાહેજા આર્ટ્સ અને કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ પદે રહ્યા અને ત્યાંથી જ નિવૃત્ત થયા. આ પછી તેઓ પૂર્ણ સમયના લેખક અને પત્રકાર તરીકે જ સક્રિય રહ્યા. તેઓ વિવિધ સમાયિકો અને દૈનિકોમાં લેખ લખતા હતા.
બક્ષીબાબુને પુછવામાં આવ્યું કે; તમારી સૌથી મજાની ક્ષણ કઈ? એમનો જવાબ ઃ વરસાદી સાંજ, વ્હીસ્કીનો ગ્લાસ, રેશમી કબાબ, ઉપર ઝૂલતું ઝૂમ્મર, ફરીદા ખાનમનાં અવાજ વાળું સંગીત અને સામે ખામોશ બેઠેલી સ્ત્રી…
હંમેશા મિજાજથી જીવેલા બક્ષીએ લેખન પણ મિજાજથી કર્યું છે. તેમની ટૂંકી વાર્તા કુત્તી પર અશ્લીલ લખાણ લખ્યાનો આરોપ સરકાર દ્વારા મૂકવામાં આવ્યો હતો. જેનો તેમણે આ માટે સરકાર વિરુધ્ધ કોર્ટમાં કેસ લડેલો. છેવટે ગુજરાત સરકારે તેમની સામેના બધા આરોપો પાછા ખેંચી લીધેલા.
તેમની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત કુમાર માસિકમાં જાન્યુઆરી, ૧૯પ૧માં પ્રકાશિત થઈ હતી. તેમણે કુલ ૧૭૮ પુસ્તકો લખ્યા છે, જેમાં ૧૭ પુસ્તકો ઈતિહાસ પર, ર૬ નવલકથાઓ, ૧પ ટૂંકી વાર્તાઓના સંગ્રહો, ૬ રાજકારણ સંબંધી પુસ્તકો, ૮ પ્રવાસવર્ણનો, ર નાટકો અને રપ પુસ્તકો વિવિધ વિષયો પર છે. તેમની આત્મકથા બક્ષીનામા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. તેમના ૧પ જેટલા પુસ્તકો હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલ છે.
મિજાજની વાત છે… અને જિંદગીમાંથી મિજાજ ચાલ્યો જાય તો માણસ પાસે શું રહે?
બક્ષીએ હંમેશા ધારદાર અને તીક્ષ્ણ કલમ ચલાવી છે. તેમના લખાણોમાં હિન્દી મિશ્રિત ગુજરાતી અને ઉર્દૂ શબ્દોનું પ્રમાણ વધારે રહ્યું છે. તેમની નવલકથા અને વાર્તાઓના પાત્રોમાં જીવનની વાસ્તવિકતા અને એમના જ જીવનમાંથી બહાર આવેલા અનુભવો પાનાઓ પર ચીતર્યા છે, જીવન જીવતા દર્શાવાયા છે.
તેમણે ઐતિહાસિક નવલકથાઓ ‘અતીવન’ અને ‘અયનવૃત’ પણ લખી છે. ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તાઓ શહેરી જીવન, લાગણીઓનો ઉભરો, યુદ્ધનું વાતાવરણ વગેરે પાર્શ્વભૂમિકાઓ ધરાવતી હતી. તેમણે ઈતિહાસ અને સંસ્કૃતિ પર ખૂબ લખ્યું છે.
રેડિફ અનુસાર જ્યારે તેઓ તેમને ન ગમતાં વ્યક્તિઓ વિશે લખતા ત્યારે તેમનું લખાણ તીક્ષ્ણ અને ભેદક રહેતુ. ૧૯૬૮માં પેરેલિસિસ નવલકથા માટે તેમને ત્રીજા ઈનામનો અડધો ભાગ ગુજરાત સરકાર તરફથી એનાયત થયો હતો, જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો. ૧૯૮૪માં મહાજાતિ ગુજરાતી માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાયેલ પ્રથમ ઈનામ તેમણે પાછુ આપી દીધું હતું. દિવ્ય ભાસ્કરમાં ક્લોઝઅપ, વાતાયન નામથી, ગુજરાત સમાચારમાં સ્પીડબ્રેકર, વાતાયન નામથી તથા સંદેશમાં, ચિત્રલેખામાં, મિડ-ડે માં, અભિયાન વગેરેમાં કોલમ લેખન કર્યું હતું.
“પ્રેમ કરવાથી જ સ્ત્રી સમજાતી નથી, જીવવું પડે છે એની સાથે..!
હું માંદાઓની વાત નથી કરતો બુદ્ધિશાળી સ્ત્રીની વાત કરું છુ.
પ્રેમ કરવા માટે બુદ્ધિની જરાય જરૂર પડતી નથી. ઋતુમાં આવે ત્યારે ગધેડાઓ પણ પ્રેમ કરે છે.”
બક્ષીનાં સ્ત્રીપાત્રો હંમેશા બુદ્ધિજીવી રહ્યાં છે, કે જેઓ દલીલોમાં પુરુષોને પણ પાછા પડે. રસોડામાં કામ કરતી સ્ત્રીઓથી આગળ વધી બક્ષી અરીસામાં પોતાને જાેઈ સિગારેટ પીતી, મોડી રાત્રે બારમાં બેસી ડ્રીંક કરતી સ્ત્રીઓ બતાવી છે.
સ્ત્રી ધારે તો કોઈ પણ કરી શકે બક્ષીએ તેમના સ્ત્રીપાત્રો દ્વારા બે સાબિત કરી બતાવ્યું. બક્ષી કહેતા સ્ત્રીઓ પુરુષ સમોવડી છે જ નહી, તે પુરુષની બરાબરીમાં જ છે. દુનિયામાં એક જગ્યા એવી હોવી જાેઈએ, જયાં મૂર્ખાઈથી હસી શકાય, કંઈ જ વિચાર કર્યા વિના ચૂપચાપ બેસી શકાય અને કોઈ પૂછે નહિ- શું કરે છે ? – ચંદ્રકાંત બક્ષી