બગદાદમાં આત્મઘાતી હુમલો, 20થી વધુના મોત
બગદાદઃ ઇરાકની રાજધાની બગદાદમાં ગુરૂવારે આત્મઘાતી હુમલો થયો જેમાં 20થી વધુ લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, અહીં બે વિસ્ફોટ થયા છે, ઈજાગ્રસ્તોમાં ઘણાની સ્થિતિ ગંભીર છે. બગદાદના તાયારાન સ્ક્વેયરમાં વિસ્ફોટનો અવાજ સાંભળવા મળ્યો છે.
હાલ આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. રાજધાનીમાં વિસ્ફોટની ઘટનાઓ ખુબ ઓછી થાય છે. આ પહેલા બગદાદમાં 2017ની જાન્યુઆરીમાં હુમલો થયો હતો ત્યારે તાયારન સ્ક્વેયર પર 27 લોકોના મોત થયા હતા.
ત્રણ પોલીસ અધિકારીઓએ કહ્યું કે, સેન્ટ્રલ બગદાદના કોમર્શિયલ સેન્ટરમાં બે ધમાકા થયા. ઇરાકી સ્ટેટ ટેલીવિઝને જણાવ્યું કે, આ આત્મઘાતી વિસ્ફોટ છે. નામ ન જણાવવાની શરત પર એક અધિકારીએ કહ્યું કે, બગદાદના વ્યસ્ત કોમર્શિયલ વિસ્તારમાં આ વર્ષે પ્રથમ હુમલો છે. મહત્વનું છે કે આ દિવસોમાં ઇરાકમાં રાજકીય તણાવ છે અને અહીં ઓક્ટોબરમાં ચૂંટણીનું આયોજન છે.
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષોમાં આ પ્રથમ આત્મઘાતી હુમલો છે. તેમના અનુસાર આ ઘટનાને અંજામ આપનાર બે હુમલાવર હતા. પ્રથમ હુમલાવર બીમાર હોવાના બહાને ઘુસ્યો અને મદદ માગી રહ્યો હતો. બીજો બાઇક પર આવ્યો હતો.