બગીચાની બહાર કોરોના સંદર્ભેના બેનરો લગાવવામાં આવ્યા
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ કોરોના મહામારીને લીધે અનેક માસથી બગીચાઓ બંધ હતા. અનલોક-૪માં બગીચા ખોલવામાં આવ્યા છે. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક બગીચાની બહાર કોરોના સંદર્ભેના માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટંન્ટિંગ સહિતના નિયમોની સુચનાઓના બેનર લગાવી દેવાયા છે. (તસવીર- જયેશ મોદી)
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને અનલોક-૪માં બાગ-બગીચા ખુલ્લા મુક્યા છે. અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન સંચાલિત ૨૦૦ કરતા બગીચા નાગરીકો માટે ખુલી ગયા છે. પરંતુ તેમાં કોરોના સંક્રમણના બાપને રોકવા માટે કોઈ જ અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા નથી. જેના કારણે સ્માર્ટસીટીના બગીચાઓ કોરોનાના એ.પી.સેન્ટર બની શકે છે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે.
કોરોના અને લોકડાઉનના કારણે અમદાવાદના બગીચાઓ માર્ચ મહિનાથી બંધ હતા. જે અનલોક જાહેર થયા બાદ પણ ખોલવામાં આવ્યા ન હતા. અનલોક-૪ માટે સરકારની જાહેરાત બાદ શહેરના તમામ બગીચાઓ ખોલવામાં આવ્યા છે.
બગીચાઓ ખુલ્લા મૂકતા પહેલાં ગાર્ડન વિભાગના તમામ સ્ટાફ અને સિક્યોરીટીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે બગીચામાં આવતા નાગરીકોની સુરક્ષા માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. મ્યુનિ.બગીચામાં પ્રવેશ કરતા સમયે નાગરીકો માટે સેનેટાઈઝર મૂકવામાં આવ્યા નથી. તેમજ પ્રવેશ માટે કોઈ સંખ્યા નિયંત્રિત પણ કરવામાં આવી નથી. તેથી જાે કોઈ સમાજ કે સંસ્થા દ્વારા બગીચામાં “ગેટ ટુ ગેધર” જેવા કાર્યક્રમનું આયોજન થાય તો તેમને રોકવા મુશ્કેલ બની શકે છે. બગીચામાં પ્રવેશ કરનાર નાગરીકોએ માસ્ક પહેરવામાં આવ્યા છે કે કેમ ?
તેની દેખરેખ રાખવા માટે માત્ર એક સીક્યોરીટી ગાર્ડ ઉપલબ્ધ છે. તેવી જ રીતે બગીચામાં સોશ્યલ ડીસ્ટન્સની જાળવણી કરવી પણ મુશ્કેલ છે. કોરોના નિયંત્રિત કરવા માટે જાહેર પરિવહન સેવા ૫૦ ટકા કેપેસીટી સાથે શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ બગીચા માટે કોઈ જ નિયંત્રણ રાખવામાં આવ્યા નથી.