Western Times News

Gujarati News

બગોદરા-વટામણ હાઈવે પર અકસ્માત થતા ત્રણનાં મોત

ગાડીમાં ૬ વિદ્યાર્થીની, ૪ વિદ્યાર્થી, કોચ તથા શાળાના સ્પોર્ટ શિક્ષક અને શિક્ષિકા ઉપરાંત અન્ય એક વ્યક્તિ સવાર હતા

અમદાવાદ, ગુજરાતમાં દરરોજ માર્ગ અકસ્માતની ઘટના બનતી રહે છે ત્યારે અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં બદોગરા અને વટામણ હાઇવે ઉપર વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભરેલી તુફાન ગાડી સાથે અકસ્માત નડ્યો હતો. તુફાન ગાડી હાઈવે ઉપર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ધૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ૩ના મોત નીપજ્યા હતા. જ્યારે ૧૧ લોકો ઘાયલ થયા હતા. દર્દનાક અકસ્માતની વાતકરીએ તો અમદાવાદ જિલ્લાના બગોદરા પાસે બગોદરા-તારાપુર ચોકડીથી એકાદ કિમી દૂર વટામણ ચોકડી બાજુ બુધવારે સવારના સમયે એક તુફાન ગાડી રોડ પર ઉભેલા ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો.

તુફાન ગાડીમાં રાજકોટની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવાર હતા. તેઓ સૌ ૨૬ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ વાપી ખાતે આવેલી સેન્ટ ફ્રાન્સીસ શાળામાં જુડોની જિલ્લા લેવલની રમતમાં સામેલ થવા માટે ગયા હતા.

આ અકસ્માતમાં ૩ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે અન્ય ૧૧ લોકોને ઈજાઓ પહોંચી છે. ઘાયલોને ૧૦૮ની મદદથી તાત્કાલિક સારવાર માટે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ગાડીમાં ૬ વિદ્યાર્થીનીઓ, ૪ વિદ્યાર્થી, કોચ રાજીવભાઈ તથા શાળાના સ્પોર્ટ શિક્ષક ભુસણભાઈ અને શિક્ષકા નીલમબેન ઉપરાંત અન્ય એક વ્યક્તિ સવાર હતા.

તેઓ ૨૮ તારીખના રોજ વાપીની શાળામાંથી રાજકોટ પરત જવા નીકળ્યા હતા તે સમયે બુધવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો. અકસ્માતના પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસની સાથે આગળની કાર્યવાહી કરી હતી. અકસ્માતમાં ત્રણના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.