Western Times News

Gujarati News

બચાવ કામગીરી માટે NDRF અને SDRFની કુલ ૧૮-૧૮ ટીમો તહેનાત

ભરૂચ, છોટાઉદેપુર,નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ : પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ: મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી

 અત્યાર સુધીમાં કુલ – ૧૦૬૭૪ નાગરિકોનું સ્થળાંતર : જેમાંથી ૬,૮૫૩ સ્વગૃહે પરત

 આશ્રયસ્થાન પર પૂરતા પ્રમાણમાં ભોજન-પાણી સહિતની વ્યવસ્થા

 વધુ વરસાદવાળા પાંચ જિલ્લાઓમાંથી અંદાજે ૫૦૮ નાગરિકોને રેસ્ક્યુ કરાયા

 તારીખ ૧ જૂનથી અત્યાર સુધીમાં કુલ ૬૩ માનવમૃત્યુ, જેમાંથી સૌથી વધુ ૩૩ના વિજળી પડવાથી મૃત્યુ : અત્યાર સુધીમાં ૨૭૨ પશુઓના મૃત્યુ નોંધાયા

મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ આજે SEOC-ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે રાજ્યમાં ભરૂચ, છોટાઉદેપુર,નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વધુ વરસાદવાળા જિલ્લામાં બચાવ કામગીરી માટે NDRF અને SDRFની કુલ ૧૮-૧૮ ટીમો તહેનાત છે. તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અનુસાર આ ટીમો સત્વરે પહોંચી પોતાની કામગીરી કરી રહી છે.

રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમ જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દિવસ દરમિયાન સતત સમીક્ષા કરીને વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપી રહ્યાં છે.

આ ઉપરાંત મંત્રીમંડળના સભ્યો પોતાના વિસ્તારના વહીવટીતંત્ર અને નાગરિકો સાથે સતત મોનીટરીંગ કરી રહ્યાં છે. વહીવટીતંત્ર દ્વારા આણંદ, દેવભૂમિદ્વારકા, કચ્છ, પોરબંદર, છોટાઉદેપુર, તાપી,નવસારી, વલસાડ, નર્મદા અને વડોદરા જિલ્લામાંથી કુલ ૧૦,૬૭૪ નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે જેમાંથી ૬,૮૫૩ નાગરિકો સ્વગૃહે પરત ફર્યા છે.

જ્યારે અંદાજે ૩,૮૨૧ આશ્રયસ્થાનમાં આશ્રય લઇ રહ્યા છે. આશ્રયસ્થાન ઉપર વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં ભોજન-પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. વધુ વરસાદવાળા પાંચ જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં અંદાજે ૫૦૮ નાગરિકોના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયા છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે તા. 1 જૂનથી અત્યાર સુધી કુલ 25 મકાનોને અને 11 ઝૂંપડાઓને નુકસાન થયું છે. રાજ્યમાં તારીખ 1 જૂનથી અત્યાર સુધી કુલ 63 માનવ મૃત્યુ થયા છે

જેમાં સૌથી વધુ 33 વીજળી પડવાથી, આઠ દિવાલ પડવાથી, 16 પાણીમાં ડૂબવાથી, પાંચ ઝાડ પડવાથી અને એક માનવ મૃત્યુ વીજળીનો થાંભલો પડી જવાથી થયું છે.

તેમણે ઉમેર્યુ કે રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૨૭૨ પશુઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં વધુ વરસાદથી જાનહાની ન થાય અને નાગરિકોના જીવ ન જોખમાય તે માટે તંત્ર દ્વારા કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવતા હોય છે, આવી સ્થિતિએ વાહન ચાલકો મનમાની ન કરે અને તંત્રને સાથ સહકાર આપે તેવી મહેસુલ મંત્રીશ્રીએ નાગરિકોને અપીલ કરી હતી.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.