બચ્ચનના નામે રજિસ્ટર્ડ ગાડી દંડ વસૂલી છોડી દેવાઈ
બેંગલુરુ, અમિતાભ બચ્ચનના નામે રજિસ્ટર્ડ થયેલી ગાડીને બેંગલુરુ આરટીઓએ આખરે દંડ વસૂલીને છોડી દીધી છે. આ કારને ગત રવિવારે પૂરતા ડૉક્યુમેન્ટ્સ ના હોવાના લીધે જપ્ત કરાઈ હતી. ગાડી લઈને નીકળેલા શખસની ઓળખ સલમાન ખાન તરીકે કરવામાં આવી હતી. ગાડીને ખરીદનાર યુસુફ શરીફ બેંગલુરુના નામી બિલ્ડર છે, જેમણે અમિતાભ બચ્ચન પાસેથી ૨૦૧૯માં આ રોલ્સ રોયસ ગાડી ખરીદી હતી. જાેકે, તેની માલિકી હજુ ટ્રાન્સફર નથી થઈ.
રોલ્સ રોયસ ફેન્ટમ (એમએચ ૦૨ બીબી ૨)ને સત્તાધીશો દ્વારા ૫,૫૦૦ રુપિયાનો દંડ વસૂલીને છોડવામાં આવી હતી. પોલીસે ગાડીને રોકી ત્યારે તેનો માલિક તેના પીયૂસી અને ઈન્શ્યોરન્સ રજૂ ના કરી શકતા તેને જપ્ત કરાઈ હતી. કારના માલિકને દસ્તાવેજાે બતાવવા માટે સમય અપાયો હતો. જાેકે, તેણે કારનો ઈન્શ્યોરન્સ અને પીયૂસી ના હોવાનું જણાવી નિયમ પ્રમાણે ૫,૫૦૦ રુપિયા દંડ ભરી દીધો હતો. જેમાં ૩,૦૦૦ રુપિયા પીયૂસી ના હોવા બદલ, ૫૦૦ રુપિયા આરસીના હોવા બદલ જ્યારે ૨,૦૦૦ રુપિયા ઈન્શ્યોરન્સ ના હોવા બદલ વસૂલવામાં આવ્યા હતા.
એવી પણ ચર્ચા છે કે, ઉપરથી પ્રેશર આવ્યું હોવાના કારણે આરટીઓના અધિકારીઓએ આ ગાડી છોડવાની ફરજ પડી છે. એક જૂનિયર અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે, તેમણે જાેખમ લઈને બચ્ચનની રોલ્સ રોયસ સહિતની કેટલીક ગાડીઓને રવિવારે પૂરતા ડોક્યુમેન્ટ ના હોવાના કારણે જપ્ત કરી હતી. જાેકે, હવે સિનિયર અધિકારીઓએ ઉપરથી પ્રેશર આવતા ગાડીઓને છોડી દઈને જુનિયર્સનું મોરલ ડાઉન થાય તેવું કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં લક્ઝુરિયસ કાર્સ પર ખાસ્સો ટેક્સ વસૂલવામાં આવે છે. જેથી આવી ગાડી ખરીદનારા તેનું પાસિંગ અન્ય કોઈ રાજ્યમાંથી કરાવે છે, અને પછી તેને બેંગલુરુમાં લાવીને ફેરવે છે.
નિયમ અનુસાર, બહારના રાજ્યના પાસિંગની ગાડી બીજા કોઈ રાજ્યમાં ૧૧ મહિનાથી વધુ સમય ના ફેરવી શકાય, અને જાે ફેરવવી હોય તો તેને તે રાજ્યમાં રજિસ્ટર્ડ કરાવવી પડે છે. જેના માટે તગડો ટેક્સ ભરવો પડે છે, પરંતુ મોટાભાગના લોકો આવું કંઈ ના કરીને કાયદાનો સરેઆમ ભંગ કરે છે.
રવિવારે બેંગલુરુના યુબી સિટીમાંથી આરટીઓ દ્વારા કેટલીક ઈમ્પોર્ટેડ ગાડીઓ જપ્ત કરવામાં આવી હતી. જેમાંથી એક કારના માલિક પાસેથી ૪૦ લાખ રુપિયા મોટર વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે, આવી ગાડીઓના વીમાનું વર્ષનું પ્રિમિયમ ૩-૪ લાખ રુપિયા જેટલું થતું હોય છે. પરંતુ લાખો રુપિયાની ગાડી ફેરવનારા માલિકો તેનો વીમો લેવાનું ટાળતા હોય છે.SSS