બચ્ચને ઈન્સ્ટાગ્રામ ઉપર લીંબુ અને મરચા લગાવ્યા
મુંબઈ, ૨૦૨૦નું વર્ષ દુનિયાની દરેક વ્યક્તિ માટે કપરું સાબિત થયું છે. વર્ષની શરૂઆતમાં જ કોરોના મહામારી આવી ગઈ અને હજુ તે ક્યારે જશે તે અંગે કોઈને જાણ નથી. સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યું છે કે, આ વર્ષના જેટલા બાકી દિવસો બચ્યા છે તે ફટાફટ પસાર થઈ જાય અને આવતું વર્ષ એટલે કે ૨૦૨૧ આશાનું નવું કિરણ લઈને આવે. બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ વર્ષ ૨૦૨૧ને ખરાબ નજરથી બચાવવા માટે સાવચેતીના પગલા લીધા છે. એક્ટરે પોતાની ઈન્સ્ટાગ્રામ પર ૨૦૨૧ લખેલી એક તસવીર શેર કરી છે અને તેની નીચે લીંબુ-મરચા લગાવી દીધા છે. તેમણે આ સાથે લખ્યું છે કે, ૨૦૨૦ પૂરું થવાને થોડા દિવસની જ વાર છે અને આશા છે કે હવે કોઈ અપ્રિય ઘટના નહીં બને. તેથી, તેમણે લીંબુ-મરચા લટકાવ્યા છે.
અમિતાભ બચ્ચને લખ્યું છે કે, ૨૦૨૦ના અંત પર, બસ હવે થોડા જ દિવસની વાર છે. નજર ના લાગે. ૨૧ની ટાંગ પર ભાઈ લીંબુ-મરચા લગાવી દો’. એક્ટરે જેવી આ પોસ્ટ મૂકી કે તરત જ બ્રહ્માસ્ત્રની તેમની કો-સ્ટાર મૌની રોયે કોમેન્ટ કરતાં એવિલ આઈ અને હાર્ટ ઈમોજી મૂકી છે. તો કરણવીર બોહરાએ હસતી ઈમોજી મૂકી છે. આપણા દેશમાં માર્ચ મહિનાથી કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. જેનો શિકાર એક્ટિંગ ઈન્ડસ્ટ્રીના કેટલાક સેલેબ્સ પણ બની ચૂક્યા છે. જેમાંથી એક અમિતાભ બચ્ચન પણ છે.
જુલાઈ મહિનાની શરૂઆતમાં બિગ બી, અભિષેક બચ્ચન, આરાધ્યા અને ઐશ્વર્યા રાય બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે જયા બચ્ચન નેગેટિવ હોવાનું સામે આવ્યું હતું. પરિવારના ચારેય સભ્યો કોરોનાથી સંક્રમિત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ દરમિયાન બિગ બીના ફેન્સે તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી. તો તેઓ પણ ફેન્સને સોશિયલ મીડિયા પર સતત અપડેટ આપતા રહેતા હતા. વર્કફ્રંટની વાત કરીએ તો, આ ઉંમરે પણ અમિતાભ બચ્ચન પાસે ઘણા પ્રોજેક્ટ છે. તેઓ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કામ કરી રહ્યા છે. જેમાં તેમની સાથે રણબીર કપૂર, આલિયા ભટ્ટ છે. આ સિવાય તેઓ ચેહરે અને ઝુંડમાં પણ જાેવા મળવાના છે.SSS