બજેટની આંકડાની માયાજાળમાં પ્રજાને શું રસ ?
મોંઘવારી ઘટાડે એ સાચુ બજેટ: પેટ્રોલ-દૂધ- શાકભાજી- અનાજના ભાવ ઘટશે ખરા ? !
(પ્રતિનિધિ) અમદાવાદ, કેન્દ્રીય અને રાજયોના બજેટો આવે છે જાય છે મોટા-મોટા માથાઓ- ટેકસેસનના નિષ્ણાંતો મોટી ટી.વી. ચેનલોમાં બેસીને ડીબેટમાં ચર્ચા વિચારણા કરે છે. ટેકનીકલી મુદ્દાઓ આંકડાઓની ફીગર સાથે રજૂ કરતા નજરે પડે છે પરંતુ દેશની સામાન્ય- મધ્યમ વર્ગની જનતાને મોટી- મોટી વાતો કે ચર્ચાઓમાં કોઈ રસ નથી.
રોજનું લાવીને ખાતા તથા ૧૦ થી ર૦ હજાર રૂપિયા મહિને આવક મેળવતા લાખ્ખો પરિવારોને બજેટથી મોંઘવારીમાં મતલબ તેમના રોજીંદા જીવનમાં શું ફાયદો થશે તેમાં રસ હોય છે લાખો- કરોડો દેશવાસીઓ ઈચ્છે છે કે મોંઘવારી ઘટે, પેટ્રોલ- દૂધ- શાકભાજી- અનાજ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ ઘટે. સામાન્ય જનતાને બજેટની માયાજાળ સાથે કંઈ લેવા દેવા નથી.
કર નિષ્ણાતોતો પેનલોમાં પોત પોતાની રીતે અભિપ્રાયો આપે છે પરંતુ મોંઘવારીને કઈ રીતે કાબુમાં લાવી શકાય તે અંગે કોઈ જ જવાબ હોતો નથી. હવે તો એવુ થઈ ગયુ છે કે પેનલમાં બેઠેલા ઘણા આગેવાનો પણ ચોક્કસ વિચારધારા સાથે સંકળાયેલા હોય છે તેથી તેમાં પણ સૌ પોતપોતાની રીતે મંતવ્ય આપતા જાેવા મળે છે.
મોંઘવારી મૂળભૂત પ્રશ્ન છે કારણ કે અગાઉના વર્ષોમાં આ મુદ્દે જ કાગારોળ મચતી હતી તેથી મોંઘવારીના મૂળ મુદ્દાને સાઈડટ્રેક કરી દેવાય છે પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચે તેની ચર્ચા થાય છે પરંતુ દેશમાં મોંઘવારી બાબતે પેનલોમાં ચર્ચા કેમ થતી નથી ?? ટૂંકમાં સામાન્ય- નોકરિયાત વર્ગને બજેટમાં ટેકનીકલી રસ રહેતો નથી.
ગ્રાઉન્ડ- રીયાલીટી શું છે તેમાં રસ હોય છે. રોડ- રસ્તા- ગટરના કામ થયા છે તે સૌ કોઈ જાણે છે પરંતુ મોંઘવારીનું શું ?? ટૂંકા પગારવાળા અનેક કુટુંબોને બે છેડા ભેગા કરતા આંખે અંધારા આવી જાય છે. વળી ખાનગી નોકરીઓમાં પગાર એટલા વધતા નથી તો માંદગી સહિતની રજાઓના પગાર કપાઈ જતા હોય છે આવામાં “બજેટ” વિશે મોટી વાતોનો અર્થ શું ?? બજેટ મોંઘવારી ઘટાડનારુ, રોજગારી આપનારુ અને સલામતી પૂરી પાડતુ હોય તે જરૂરી છે.