બજેટ પર પડી શકે છે કોરોનાની માર, કોવિડ સેસ લગાવવાની તૈયારીમાં સરકાર
હાલ બજેટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોનાના કારણે સરકારની આવક પણ ઘટી ગઈ છે અને અર્થ વ્યવસ્થાને પડેલા ફટકાની અસર દૂર કરવા માટે વધારે ફંડની જરૂર છે. તાજેતરમાં જ યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન મોદીને નાણાંકીય બાબતોના નિષ્ણાંતોએ ખર્ચ વધારવાનું સૂચન કર્યું હતું.
ઈકોનૉમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, આ બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ કોરોના સેસની જાહેરાત કરી શકે છે. સરકારને કોઈ પણ સંજોગોમાં પોતાની તિજોરી ભરવાની આવશ્યક્તા છે. કોવિડ સેસ આજ દિશામાં એક મહત્વનું પગલુ હોઈ શકે છે. જો કે તેને લઈને હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય નથી લેવામાં આવ્યો.
ઉદ્યોગજગતના લોકોએ સરકારને અપીલ કરી છે કે, તેઓ બજેટમાં ટેક્સ રેટ વધારવા કે નવો ટેક્સ લાગૂ કરવા વિશે ના વિચારે. અર્થ વ્યવસ્થામાં પહેલાથી જ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં એડિશનલ ટેક્સનો ભાર વિકાસની ગતિને અવરોધી શકે છે.