બજેટ ‘લોકો દ્વારા, લોકો માટે, લોકોનું’ છેઃ સીતારામન
રાજકોષીય શિસ્ત અને વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ
મધ્યમ વર્ગ માટે વેરા ઘટાડવાનો વિચાર સંપૂર્ણપણે નરેન્દ્ર મોદીનો હતોઃ નાણાં મંત્રી
નવી દિલ્હી,
નાણાપ્રધાન નિર્મલા સીતારામને રવિવારે કેન્દ્રીય બજેટને “લોકો દ્વારા, લોકો માટે, લોકોનું” હોવાનું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે મધ્યમ વર્ગ માટે ટેક્સ ઘટાડવાનો વિચાર સંપૂર્ણપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હતો, પરંતુ અધિકારીઓને મનાવવામાં થોડોક સમય લાગ્યો હતો.બજેટ જાહેર કર્યા પછી એક મુલાકાતમાં તેમણે ઉમેર્યું હતું કે ‘અમે મધ્યમ વર્ગનો અવાજ સાંભળ્યો છે. તેઓ ઇમાનદાર કરદાતા હોવા છતાં છેલ્લાં ઘણાં વખતથી તેમની અપેક્ષાઓ સંભળાતી ન હોવાની ફરિયાદ કરી રહ્યા હતા. ફુગાવા જેવા પરિબળોની અસરમાંથી બચવા કરદાતાઓ મર્યાદા થોડીક વધારવાની માગણી કરી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરરાહત આપવા માટે તત્પર હતા.
પરંતુ નાણાં મંત્રાલય અને સીબીડીટીના અધિકારીઓને સમજાવવામાં થોડોક સમય લાગ્યો હતો. અધિકારીઓને કલ્યાણ અને અન્ય યોજનાઓને પહોંચી વળવા માટે વધુ આવક સુનિશ્ચિત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.’ઉલ્લેખનીય છે કે સતત આઠમું બજેટ રજૂ કરતાં સીતારામને પગારદારો માટે ૧૨ લાખ સુધીના પગાર પર કર નહિ લેવાની જાહેરાત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન વેરામાં રાહત આપવા એકદમ સ્પષ્ટ હતા અને તેમણે મને આ દિશામાં કામ કરવાનું સોંપ્યું હતું. મંત્રાલય અને સીબીડીટીને સમજાવવાની જરૂર હતી કેમ કે તેમને આવક ઊભી કરવાનું હોય છે. આમ તેઓ મને સમયાંતરે યાદ અપાવતા રહ્યા હતા. તેમાં તેઓ ખોટા પણ નહતા.
પરંતુ છેવટે બધા માની ગયા હતા. તેમણે ઉમર્યું હતું કે વડાપ્રધાન વિવિધ ક્ષેત્રોના લોકો અને ઉદ્યોગજગતના માંધાતાઓને મળે છે અને તેમની જરૂરિયાતો પ્રમાણે જવાબ આપે છે. આ સરકારનો ભાગ બનીને હું ખુશ છું. જે લોકો વેરો ચુકવી શકે છે તેમને સમાવવા માટે કરજાળને વધુ વ્યાપક બનાવવાનો પ્રયાસ કાયમ ચાલતો હોય છે. નાણાં મંત્રી સીતારામને દેશની નાણાકીય સાખ અને મજબૂત આર્થિક નીતિઓનો ઉલ્લેખ કર્યાે હતો અને ઉમેર્યું હતું કે ભારતે ક્યારેય તેના રાજકોષીય આયોજન કે ઋણમાં કાપ મુકવાના લક્ષ્યોની અવગણના કરી નથી. ભારત નાણાકીય શિસ્ત અને વિકાસની સમતુલા જાળવી રાખવાની નીતિ પર કાર્યરત છે. ઋણથી જીડીપી સરેરાશને નિયંત્રિત કરવા, મૂડીગત ખર્ચને પ્રાથમિકતા આપવા અને રાજકોષીય ખાધને તબક્કાવારરીતે ઓછી કરવાની યોજના પર કામગીરી થઇ રહી છે.SS1