બડા બિઝનેસ 6 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ટાઇટલ જીતનારી દક્ષિણપૂર્વ એશિયાની પ્રથમ કંપની બની
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/VivekBindra.jpg)
ભારતીય એજ્યુ-ટેક સ્ટાર્ટઅપ બડા બિઝનેસએ આજે ઇસ્કોન સાથે જોડાણમાં યુટ્યુબ પર લીડરશિપ લેશનનો વીડિયોને સૌથી વધુ લાઇવ વ્યૂઅર્સ મેળવવા બદલ નવો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ™ સ્થાપિત કર્યો હોવાની જાહેરાત કરી હતી. આ વીડિયો 20 જૂનના રોજ બડા બિઝનેસના સ્થાપક અને સીઇઓ તથા પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર, બિઝનેસ કોચ વિવેક બિન્દ્રા દ્વારા ‘બિઝનેસ યોગા વિથ ભગવદ ગીતા’ પર હાથ ધરવામાં આવેલા વેબિનાર પર લાઇવ સ્ટ્રીમ થયો હતો.
આ ઇવેન્ટને લાઇવ કુલ 155,449 વ્યૂઅર્સ મળ્યાં હતાં, જે આ કેટેગરી માટે અગાઉના વર્લ્ડ રેકોર્ડની સરખામણીમાં 100 ગણા વધારે છે. આ સાથે બડા બિઝનેસ બે વર્ષથી ઓછા સમયગાળાની અંદર સતત છ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરનારી દક્ષિણપૂર્વ એશિયાની પ્રથમ કંપની બની ગઈ છે.
લાઇવ વેબિનારમાં એકલા ભારતમાંથી આશરે 500,000 યુવાનો સહભાગી થયા હતા. અપલોડ થયેલા ઇવેન્ડના વીડિયોને અત્યાર સુધી 2.8 મિલિયન વ્યૂ મળ્યાં છે. વીડિયોને આશરે 200,000 લાઇક મળી છે તથા વેબિનાર માટે ઇસ્કોન અને બડા બિઝનેસનો આભાર માનતા હજારો દર્શકોના અભિપ્રાયો મળ્યાં છે.
કોવિડ-19ને પગલે શારીરિક સ્વાસ્થ્ય અને સુખાકારીના સંબંધમાં લોકો અતિ ચિંતિત છે અને માનસિક હતાશા અનુભવી રહ્યાં છે તેમજ લાખો યુવાનોની ભવિષ્યમાં રોજગારલક્ષી સંભવિતતા પર કાળાં વાદળો છવાઈ ગયા છે, જેથી તેઓ ચિંતા અને નિરાશાનો અનુભવ કરી રહ્યાં છે. આ સ્થિતિસંજોગોમાં પ્રોગ્રામ યુવા પેઢીને ગીતા દ્વારા પ્રેરિત કરવા બનાવવામાં આવ્યો હતો. વળી આ પ્રોગ્રામનો ઉદ્દેશ તેમને તેમની આસપાસ નવા વ્યવસાયો શરૂ કરીને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપવાનો પણ હતો.
આ સફળતા પર બડા બિઝનેસના સ્થાપક અને સીઇઓ ડો. વિવેક બિન્દ્રાએ કહ્યું હતું કે, “બડા બિઝનેસમાં અમે ભારતમાં ઉદ્યોગસાહસિકતાની મજબૂત ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં મદદરૂપ થવા છેવાડાના વિસ્તારોમાં વસતાં મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો, સોલોપ્રીન્યોર્સ અને વોન્ટ્રેપ્રીન્યોર્સ સુધી હંમેશા પહોંચવા ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
બિઝનેસ યોગા વિથ ભગવદ ગીતા એ જ વિઝન સાથે સ્ટ્રીમ થયો હતો અને તેનો ઉદ્દેશ યુવા પેઢીને રોજિંદી સમસ્યાઓનું સમાધાન કરવા અને વ્યવસાયિક પડકારો ઝીલવામાં મદદરૂપ થવા ભગવદગીતાના શ્લોકોમાંથી વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અને વ્યવહારિક શાણપણ વિકસાવવા પ્રેરિત કરવાનો હતો.
એટલે આ માટે અમને પ્રતિષ્ઠિત ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને ખુશ છીએ, આ બે વર્ષથી ઓછા ગાળામાં સતત છઠ્ઠો વર્લ્ડ રેકોર્ડ છે. અમે આ વેબિનારને સંભવિત બનાવવા માટે કન્સલ્ટન્ટ પાર્ટનર ઇસ્કોનનો આભાર માનીએ છીએ.”
આ પ્રસંગે બડા બિઝનેસને અભિનંદન આપીને ઇસ્કોનના નેશનલ કમ્યુનિકેશન ડાયરેક્ટર યુધિષ્ઠર ગોવિંદ દાસે કહ્યું હતું કે, “અમને આ પહેલ માટે બડા બિઝનેસ સાથે જોડાણ કરવાનો ગર્વ છે. ભગવદગીતા અને બિઝનેસ લીડરશિપ સ્કિલ્સ એમ બંને વિષયો પર ડો. બિન્દ્રાની હથોટીને કારણે આ સેમિનાર પ્રેરક રહ્યો હતો.
તેમણે ભગવદગીતામાંથી શ્લોકો ટાંક્યા હતા, એનું સચોટ ઉચ્ચારણ કર્યું હતું અને રોજિંદી જીવન અને વ્યવસાયિક પડકારોને આધારે એક-એક શબ્દોનો ગૂઢાર્થ વર્તમાન સંદર્ભમાં સમજાવ્યો હતો. મેનેજમેન્ટ અને લીડરશિપના સિદ્ધાંતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. સ્વાભાવિક છે કે, આ વીડિયોને મોટી સંખ્યામાં દર્શકો મળ્યાં અને દરેક ઇવેન્ટમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ ગયા હતા. અમે ડો. બિન્દ્રાને ભવિષ્યમાં વધારે સફળતા મળે એવી શુભેચ્છા આપીએ છીએ.”
આ વેબિનાર ઇસ્કોનના સ્થાપક હિઝ ડિવાઇન ગ્રેસ ભક્તિવેદાંત શ્રીલ પ્રભુપાદની 125મી જન્મજયંતિના ઉપક્રમે યોજાયો હતો. વર્ષ 1966માં ઇસ્કોનની સ્થાપના થયા પછી સંસ્થા ભારતના પ્રાચીન વારસાનો પ્રચારપ્રસાર કરવા કાર્યરત છે. તેનો ઉદ્દેશ દુનિયાભરમાં મૂલ્યોના સંતુલનને સ્થાપિત કરવાનો તથા શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપવાનો છે. સંસ્થા યુવા પેઢીને વધારે ફળદાયક અને સંપૂર્ણ જીવન જીવવા માટે તાલીમ આપવા અને ઘડવા પ્રયાસ કરે છે, જેને 1960 અને 1970ના દાયકા દરમિયાન અમેરિકાની નાગરિક સંસ્થાઓએ મોટા પાયે નશીલા દ્રવ્યોના સેવનને છોડાવવામાં અસરકારક કામગીરી પર બિરદાવી હતી.
અગાઉ બડા બિઝનેસએ 5 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કર્યા છેઃ સૌથી વધુ ઓનલાઇન બિઝનેસ લેશન (24 એપ્રિલ, 2020); સૌથી વધુ ઓનલાઇન વેચાયેલા લેશન (31 મે, 2020); યુટ્યુબ પર સ્ટ્રેટેજિક મેનેજમેન્ટના પ્રીમિયર માટે સૌથી વધુ દર્શકો (27 જૂન, 2020);
યુટ્યુબ પર સ્ટાર્ટ-અપ બિઝનેસ મેનેજમેન્ટ વીડિયોના પ્રીમિયર માટે સૌથી વધુ દર્શકો (15 ઓગસ્ટ, 2020) અને યુટ્યુબ પર રિટેલ મેનેજમેન્ટ લેશનના સૌથી વધુ લાઇવ દર્શકો (27 સપ્ટેમ્બર, 2020). કંપનીએ છેલ્લાં થોડા મહિનામાં અભૂતપૂર્વ વૃદ્ધિ કરી છે, એના એપના પેઇડ સબસ્ક્રાઇબરની સંખ્યા 1 લાખ થઈ ગઈ છે.