બદમાશો યુવાનને ફટકારીને કાર લઈને ફરાર થઈ ગયા
સુરત: સુરત શહેરમાં ગુનાખોરીનાં બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે તો બદમાશોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવા બનાવો બની રહ્યા છે. ગતરોજ ગતરોજ મિત્રની ગાડી લઇને પરિવાર સાથે નીકળેતાં યુવાને રસ્તામાં આંતરીને બે ઈસમો ગાડી લઈને ફરાર થઈ ગયા હતા.
આ દરમિયાન યુવાનને માર પણ મારવામાં આવ્યો હતો. આ બનાવ સુરતના વરાછા વિસ્તારમાં બન્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા રોડ પર આવેલી માતાવાડી ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતા મુકેશ મોહન કલસરિયા કાપડના વ્યવસાય સાથે જાેડાયેલા છે.
પોતાના પરિવારને કામ અર્થે બહાર જવાનું હોવાથી તેઓએ પોતાના ખાસ મિત્ર એવા રાજકુમાર શ્રીવાસ્તવ પાસેથી કાર લીધી હતી. જે બાદમાં પિતા મોહનભાઈ, માતા કાશીબેન, બહેન સ્વાતી અને ભાઈઓ જીગ્નેશ તથા ભૌતિક સાથે ઓલપાડ જવા નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં જ્વલંત ટાઉનશિપ પાસે બાઈક પર સવાર બે લોકોએ મુકેશભાઈની ગાડી આંતરી હતી અને તેમને કહ્યું હતું કે તેમની પાસે રહેલી ગાડી તેમની છે. આવું કહીને બંનેએ પોતાની ઓળખ ર્નિલય ગોસ્વામી અને ઋત્વિક પાટીલ તરીકે આપી હતી.
મુકેશભાઈએ ગાડી તેમના મિત્રની હોવાની વાત કરી હતી અને સાથે જ તેમના મિત્ર સાથે વાત કે મુલાકાત કરાવી દેવાનું પણ જણાવ્યું હતું. જે બાદમાં મુકેશભાઈએ પોતાના પરિવારને ઘરે પરત મૂકીને આ બંને ઇસમો સાથે ગયા હતા. જાેકે, ઘરથી થોડી દૂર ગયા બાદ બંને ઇસમોએ મુકેશભાઈ પર હુમલો કરી દીધો હતો અને ગાડી લઈને નાસી છૂટ્યા હતા.
પોતાની સાથે બનેલી ઘટના અંગે મુકેશભાઈ તાત્કાલિક પોલીસ મથકે દોડી જઈને ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. લોકોનાં કહેવા પ્રમાણે આ વિસ્તારમાં આવા બનાવ સતત બની રહ્યા છે. હવે આ કેસમાં પોલીસ આરોપી સુધી પહોંચે છે કે નહીં તે જાેવાનું રહ્યું.