કોંગ્રેસના અગ્રણી નેતા અને બહેરામપુરા વોર્ડ ના કોર્પોરેટર બદરુદ્દીન શેખ નું રવિવારે એસ.વી.પી. હોસ્પિટલમાં દુખદ અવસાન થયું છે. તેમની ઉમર 67 વર્ષ હતી. શહેરમાં કોરોના મહામારી અને લોકડાઉન દરમ્યાન ગરીબો માટે તેમણે રાશન કીટ અને ફૂડ પેકેટની સેવા શરૂ કરી હતી.
જે દરમ્યાન તેઓ કોરોના સંક્રમણ નો ભોગ બન્યા હતા. તેમને 9 એપ્રિલે એસ.વી.પી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ડાયાબિટીસ ની તકલીફ પહેલેથી જ હતી સારવાર દરમ્યાન ડાયાબિટીસ કંટ્રોલ થતો નહતો. જ્યારે ત્રણ ચાર દિવસ બાદ કિડની ઉપર પણ અસર થઈ હતી. તેથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા તેમજ કિડની ડાયાલીસીસ શરૂ કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલ ઘ્વારા પ્લાઝ્મા ટ્રીટમેન્ટ માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ કિડની અને ડાયાબિટીસ ના કારણે પ્લાઝ્મા સારવાર આપવામાં આવી નહતી. તેમની તબિયત માં કોઈ જ સુધારો જોવા ન મળતા તેમને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવા માટે કુટુંબીજનો વિચાર કરી રહયા હતા અંતે, તેમણે 26 એપ્રિલે એસ.વી.પી. હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
કોંગી કોર્પોરેટર બદરુદ્દીન શેખ ના અવસાન ના સમાચાર જાહેર થતા જ કોંગ્રેસ અને ભાજપના માં દુઃખ ની લાગણી જોવા મળી હતી. કોંગી નેતા શક્તિસિંહ ગોહેલ, પ્રવક્તા જયરાજસિંહ પરમાર , પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, મ્યુનિસિપલ નેતા દિનેશ શર્મા તેમજ સિનિયર કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષી એ શોક વ્યક્ત કર્યો હતો તેમજ કોંગ્રેસે સતત પ્રજા વચ્ચે રહેતા એક કદાવર નેતા ગુમાવ્યા હોવાનું જણાવ્યું હતું. શહેર મેયર બીજલબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પણ શોક વ્યક્ત કર્યો હતો.
બદરૂદ્દીન શેખ કોંગ્રેસના મોટા નેતા અહમદ પટેલના નજીકના માનવામાં આવતા હતા. તેઓ વર્ષ 2010 થી 2015 સુધી AMCના વિપક્ષના નેતા રહ્યા હતા.2000 થી 2003 સુધી AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા હતા.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રવક્તા રહી ચૂક્યા છે.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના વર્ષ 1985-1990 જનરલ સેક્રેટરી રહ્યા હતા.વર્ષ 1979-1980 માં ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર રહ્યા હતા.આ સિવાય પણ કેન્દ્ર સરકાર અંતર્ગત ખ્વાજા સાહેબ દરગાહ કમિટીના મેમ્બર પણ રહ્યા.કોંગ્રેસ પાર્ટીએ થોડા સમય પહેલા જ ઓલ ઇન્ડિયા માઈનોરિટી સેલ ના વાઇસ ચેરમેન તરીકે પણ તેમની નિમણૂક કરી હતી.