બદલાપુરમાં કેમિકલ ગેસ લીકેજથી અફરાતફરી

મુંબઇ, મુંબઇના થાણેમાં ગઇકાલે રાતે બે મોટી દુર્ઘટનાઓ બની છે. થાણેના બદલાપુરમાં એક કંપનીમાં ગેસ લીક થવાથી આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ગેસ ત્રણ કિ.મી. સુધી ફેલાતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. બીજી તરફ થાણેના ભિવંડીમાં ભીષણ આગથી ૧૫ ભંગારના ગોડાઉન બળીને ખાખ થઇ ગયા હતા, જાેકે હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર આવ્યા નથી.
મહારાષ્ટ્ર સ્થિત બદલાપુર એમઆઇડીસી વિસ્તારમાં કેમિકલ ગેસ લીક થવાથી સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં સમસ્યા આવી હતી એટલું જ નહીં, કેટલાક લોકોને ઉલટી અને ગભરામણ થઇ હતી. સૂચના મળતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ હતી અને તે વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. મળતી જાણકારી અનુસાર એમઆઇડીસી વિસ્તારના નોબલ ઇન્ટર મીડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી ગેસ લીક થયો હતો.
કંપની એક રીએક્ટરમાં કાચા તેલ માટે બે રસાયણ સલ્ફયુરિક એસિડ અને બેન્જિન ડીહાઇડ્રેટને ભેળવે છે, જાેકે જરૂરી તાપમાનને નિયંત્રિત કરવામાં ભૂલ થવાના કારણે ગેસ હવામાં ફેલાયો હતો. ગેસ ઝેરી નહોતો, પરંતુ લીક થવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે, તેનાથી ચામડી અને આંખોને નુકસાન પહોંચી શકે છે.
બદલાપુરના ફાયર અધિકારી ભાગવત સોનોને કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોએ ગભરાવવાની જરૂર નથી. ગેસ લીકેજના સમાચાર મળતા લોકો ગભરાઇ ગયા અને ભાગદોડ મચી ગઇ. લોકોને પોલીસ અને ફાયર જ્યારે જણાવ્યું કે ગેસ ઝેરી નથી ત્યારે લોકોના જીવમાં જીવ આવ્યો હતો. ત્યારબાદ લોકો પોતપોતાના ઘરે પાછા ફર્યા હતા.
લગભગ ત્રણ કિ.મી.ના વિસ્તારમાં આ ગેસ લીક થયાની અસર પડી છે. આ દરમિયાન અનેક લોકોની તબિયત લથડી છે. થાણે નગર નિગમે એક નિવેદનમાં કહ્યું કે બદલાપુરમાં ગુરુવાર રાતના લઘબગ ૧૦.૨૨ વાગ્યે એક ફેક્ટરીમાં ગેસ લીક થયાની સૂચના મળી હતી. આ વિસ્તારના લોકોને શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી હતી. રાતના ૧૧.૨૪ વાગ્યે ફાયર વિભાગે ગેસ લીકેજને રોકી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ ઘાયલ થયુ નથી.