બદલી માટે શિક્ષકોની પાસેથી રૂપિયા લેવાતા હોવાનો આક્ષેપ
ગાંધીનગર, પોતાના હોમટાઉનથી દૂર રહી નોકરી કરતા શિક્ષકો નજીકના સ્થળો પર નોકરી કરી શકે તે માટે સરકાર દ્વારા અવારનવાર બદલી કેમ્પ યોજવામાં આવે છે. જાેકે, ખરેખર તો બદલી કરાવવા ઈચ્છતા લોકો પાસેથી બેથી પાંચ લાખ રુપિયા પડાવવામાં આવે છે તેવો ચોંકાવનારો આક્ષેપ મહેસાણાની ગલુદણ પ્રાથમિક શાળાના એક શિક્ષક દ્વારા કરાયો છે, અને આ અંગે શિક્ષણમંત્રી તેમજ શિક્ષણ વિભાગના સચિવને લેખિત ફરિયાદ કરાતા તંત્ર દોડતું થઈ ગયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શિક્ષક દ્વારા અપાયેલી લેખિત ફરિયાદમાં ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકો પાસેથી બદલી કરાવવા માટે રુપિયા લેવાતા હોવાના આક્ષેપ કરાયા છે. એટલું જ નહીં, અરજદારે તો ત્યાં સુધી દાવો કર્યો છે કે આ હપ્તા ઉપર સુધી પહોંચાડાય છે, જેના કારણે ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સામે કોઈ પગલાં લેતા નથી. આ ઉપરાંત, આ અધિકારી પાસે બેનામી સંપત્તિ હોવાના પણ આક્ષેપ કરાયા છે.
જે શિક્ષકો બદલી કરાવવા માગે છે તેમની યાદી માત્ર બતાવવા માટે જ વેબસાઈટ પર મૂકાય છે, અને અલગ-અલગ કેડરની બદલીઓની યાદી પણ પારદર્શક રીતે તારવવામાં નથી આવતી. જે શિક્ષક બેથી પાંચ લાખ રુપિયાનો વહીવટ કરી શકે તેને જ તેના પસંગદીના સ્થળ પર મૂકી આપવામાં આવે છે. વળી, સિનિયોરિટીની અવગણના કરીને બદલીના હુકમો કરાય છે તેવો આક્ષેપ પણ લેખિત ફરિયાદ કરનારા શિક્ષકે કર્યો છે.
અરજીમાં કરાયેલા ચોંકાવનારા આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે જાણવા માટે હાલ તો ઉચ્ચ કક્ષાએ આ અંગે તપાસ કરવા માટે આદેશ અપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જાેકે, આ આક્ષેપોમાં તથ્ય નીકળે તો ખરેખર જવાબદાર અધિકારી સામે પગલાં લેવાશે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે.SSS