બદાયૂં કાંડનો મુખ્ય આરોપી પૂજારી ઝડપાયો
બદાયુ (ઉત્તરાખંડ ), ગયા રવિવારે ત્રીજી જાન્યુઆરીએ બદાયૂંના ઉઘૈતી ગામમાં એક આંગણવાડી કાર્યકર મહિલા પર ગેંગરેપ અને પાશવી મારપીટ કરનારા મંદિરના મુખ્ય મહંત કમ પૂજારીની પોલીસે ધરપકડ કરી હતી.
આ પૂજારીના માથા પર પોલીસે પચાસ રજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. પૂજારી ઉઘૈતી ગામમાં જ એક મહિલાના ઘરમાં છૂપાયો હતો. આ લોકોએ પીડિતા પર ગેંગ રેપ કર્યા બાદ એની યોનિમાં સળિયો ઘૂસાડ્યો હતો અને એના પગ, ફેંફસાં તથા પાંસળી ભાંગી નાખ્યાં હતાં. 48 કલાક સુધી તો પોલીસે પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું નહોતું કે પીડિતાનાં કુટુંબીજનોની ફરિયાદ સુદ્ધાં લીધી નહોતી.
મિડિયામાં હોબાળો થયા બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સક્રિય થયા હતા અને ઉઘૈતી પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કર્યો હતો. 48 કલાક બાદ પીડિતાનું પોસ્ટમોર્ટમ થયું ત્યારે એના પર ગેંગ રેપ થયો હોવાના અને એનો ડાબો પગ, ફેફસાં તથા પાંસળી ભારે વજનદાર પ્રહારોથી તૂટી ગયાં હોવાની વાત બહાર આવી હતી. ખુદ વડા પ્રધાન મોદીએ ગૃહ પ્રધાન અમિત શાહને આ બાબતે કડક પગલાં લેવાની સૂચના આપતાં અમિત શાહે રાજ્યના મુખ્ય પ્રધાન અને પોલીસ વડાને આદેશ આપ્યો હતો કે તત્કાળ કડક પગલાં લો.
પોલીસે મંદિરના પૂજારીના બે ચેલાની ધરપકડ કરી હતી પરંતુ પૂજારી નાસતો ફરતો હતો. આખરે એ પણ ગામની એક મહિલાના ઘરમાંથી પકડાયો હતો. ગુરૂવારે ગામના લોકોને એવો અણસાર મળ્યો હતો કે એક મહિલાના ઘરમાં કોઇ છૂપાયું છે. લોકોએ આ મહિલાની પૂછપરછ કરી ત્યારે પહેલાં તો આ મહિલાએ પોતાના ઘરમાં કઇ તી એવો દાવો કર્યો હતો પરંતુ લોકો માન્યા નહોતા. દરમિયાન, લોકોની ભીડ જોઇને ગભરાયેલા પૂજારીએ નાસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકોએ એને ઝડપી લીધો હતો. યોગાનુયોગે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસની ટુકડી પણ એ સમયે ગામમાં હાજર હતી એટલે લોકોએ પૂજારીને પોલીસને સોંપી દીધો હતો. આમ આ ઘટનાનો મુખ્ય આરોપી પોલીસના હાથમાં આવ્યો હતો.