બનાવટી એન્કાઉન્ટર મામલે ઉત્તરપ્રદેશ ટોપ પર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/Encounter.jpg)
લખનૌ, ઉત્તરપ્રદેશ પોલીસ પર બનાવટી એન્કાઉન્ટરના મોટા મોટા આરોપો લાગી રહ્યા છે. બીજી બાજુ માનવ અધિકાર રિપોર્ટમાં જે આંકડા રજૂ કરવામાં આવ્યા છે તે મુજબ તમામ લોકો હેરાન થઇ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તેમની પાસે જેટલી પણ ફરિયાદ આવી છે તે પૈકી સૌથી વધારે ફરિયાદ ઉત્તરપ્રદેશમાંથી આવી છે. છેલ્લા અઢી વર્ષના ગાળામાં ચાર હજાર એન્કાઉન્ટર થયેલા છે. ત્રણ દશક પહેલા પીલીભીતમાં એક ડઝન લોકોના બનાવટી એન્કાઉન્ટર થયા હતા. ભાજપ સરકારના ગાળામાં આશરે ૪૦૦૦ બોગસ એન્કાઉન્ટર થઇ ગયા છે. હાલમાં ઝાંસીમાં પુષ્પેન્દ્ર યાદવના મોતને લઇને ઉત્તરપ્રદેશમાં રાજકીય ગરમી વધી ગઇ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી દ્વારા આકરા પ્રહારો સરકાર પર કરવામાં આવી રહ્યા છે. વિપક્ષના આક્રમક મુડને ધ્યાનમાં લઇને સરકાર નરમ વલણ અપનાવી રહી છે. ઝાંસીમાં પુષ્પેન્દ્ર યાદવના બોગસ એન્કાઉન્ટર મામલે તપાસ શરૂ કરવામાં આવી ચુકી છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના કહેવા મુજબ બનાવટી એન્કાઉન્ટરની ફરિયાદના મામલે ઉત્તરપ્રદેશ દેશમાં સૌથી આગળ છે. છેલ્લા ૧૨ વર્ષનો એક આંકડો જારી કરવામાં આવ્યો છે. જેમાં દેશભરમાં બનાવટી એન્કાઉન્ટરની કુલ ૧૨૪૧ ફરિયાદ પંચની પાસે પહોંચી છે. જે પૈકી એક તૃતિયાશ ફરિયાદ ઉત્તરપ્રદેશમાંથી આવી છે.ઉત્તરપ્રદેશમાં ક્રાઇમને ઘટાડી દેવા માટે પ્રયાસ જારી છે.