બનાસકાંઠાના ભાજપના ત્રણ બળવાખોર નેતા સસ્પેન્ડ

વડગામ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સપાટો બોલાવીને ગુજરાતના ત્રણ ટોચના આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પાટીલે બનાસ બેંકની ચૂંટણીને મામલે ભાજપના ત્રણ દિગ્ગજ આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરતાં ખળભળાટ મચી ગયો છે.
પાટીલે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ અને મૂળ બનાસકાંઠા જીલ્લાના તેજાભાઈ પટેલ, વડગામ માર્કેટ યાર્ડ ચેરમેન કેશર ચૌધરી અને દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ નટુ ચૌધરીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.
આ ત્રણેય નેતાઓને પક્ષના ઉમેદવાર વિરુદ્ધ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પક્ષે મેન્ડેટ આપ્યું ન હોવા છતાં પણ આ ત્રણેય નેતાઓ ભાજપના ઉમેદવારની સામે ચૂંટણી લડ્યા હતા. તેથી હવે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. ભાજપના દિગ્ગજ આગેવાનો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાતાં રાજકીય ભૂકંપ મચી ગયો છે.
મહત્ત્વની વાત એ છે કે, બનાસ બેંક માત્ર બનાસકાંઠાની નહીં પણ ઉત્તર ગુજરાતની સૌથી મોટી સહકારી બેંક ગણવામાં આવે છે. આ બેંકના ડિરેક્ટર બનવું તે ખૂબ મોટી વાત છે. આ બેંક ૧ હજાર કરોડની ટર્ન ઓવર ધરાવે છે તેથી તેને ડિરેક્ટર બનવા માટે ભાજપના ૩ નેતાઓએ પક્ષના ઉમેદવારની સામે મેન્ડેટ વગર જ ઉમેદવારી નોંધાવી હતી. તેથી તેમની સામે પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.