Western Times News

Gujarati News

બનાસકાંઠાની અભણ મહિલાએ શ્વેતક્રાંતિ થકી  વર્ષે પોણા કરોડની આવક મેળવી

પશુપાલનના વ્યવસાય દ્વારા વર્ષે રૂ. ૭૨ લાખની આવક મેળવતા  ધાનેરા તાલુકાના ચારડા ગામની મહિલા શ્રીમતી કાનુબહેન ચૌધરી

રણમાં મીઠી વીરડી સમાન એશિયાની નંબર વન- બનાસ ડેરી  અભણ મહિલાઓ માટે રોજગારીનું ઉત્તમ સાધન પુરવાર થઇ છે –બનાસ ડેરી દ્વારા દર મહિને પશુપાલકોને રૂ. ૬૦૨ કરોડ ચુકવાય છે.

પાલનપુર  આજના ભણેલા ગણેલા અને ડીગ્રીધારી યુવાનોને પ્રેરણા મળે અને જીવનમાં કંઇક નવું કરવાનું માર્ગદર્શન આપે તેવું કામ રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નાનકડા ગામ ચારડામાં રહેતા અભણ પશુપાલક મહિલા શ્રીમતી કાનુબહેન ચૌધરીએ કર્યુ છે. ધોરણ-૧૨ અને ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરી નોકરીની આશાએ બેસી રહેનાર યુવાનો માટે ધાનેરા તાલુકાના ચારડા (વિજાપુરા) ગામની આ અભણ મહિલા પ્રેરણાનો સ્ત્રોત છે.

શ્રીમતી કાનુબહેન રાવતાભાઇ ચૌધરી પશુપાલનના વ્યવસાય દ્વારા વર્ષે રૂ. ૭૨ લાખની આવક મેળવે છે. તેઓ પશુપાલનનો વ્યવસાય વર્ષોથી કરે છે. આ વ્યવસાયને તેમણે સખત પરિશ્રમ અને નક્કર આયોજન સાથે ખુબ સરસ વિકસાવ્યો છે. થોડાક વર્ષો પહેલાં માત્ર ૮- ૧૦ પશુઓ રાખતા કાનુબહેન આજે ૮૦ થી વધુ શંકર ગાયો અને ૪૦ જેટલી મહેંસાણી અને બન્ની ઓલાદની ભેંસો રાખે છે. તેઓ રોજનું અત્યારે ૬૦૦ લીટર અને શિયાળાની સીઝનમાં ૧,૦૦૦ લીટર દૂધ બનાસ ડેરીની દૂધ મંડળીમાં ભરાવે છે અને મહિને રૂ. ૬ લાખની આવક દૂધના વ્યવસાયમાંથી મેળવે છે. દૂધના ધંધામાંથી પણ આટલી સારી આવક મેળવી શકાય તે વાત સૌના માટે સુખદ આશ્વર્ય અને અભ્યાસનો વિષય છે.

તેમના ખેતરમાં પશુઓ માટે પાકો શેડ બનાવવામાં આવ્યો છે અને પશુઓ શેડમાં ૨૪ કલાક ખુલ્લા રહે છે. પશુઓને પીવા માટે શુધ્ધ પાણી અને ખોરાક માટે હેડ લોક પાકી ગમાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાકી ગમાણના લીધે ખોરાકનો બગાડ થતો નથી. દરરોજ સવારે-૯.૦૦ કલાકે પશુઓને પ્રેશર ફુવારાથી નવડાવવામાં આવે છે અને તેમને ખુલ્લા વાડામાં રાખવામાં આવે છે તે દરમ્યાન શેડની સાફ-સફાઇ કરવામાં આવે છે. પશુઓને નિરણ માટે આપવામાં આવતા લીલા અને સૂકા ઘાસચારાને કાપવા માટે મોટર સંચાલિત ચાફકટરની સુવિધા છે. પશુઓને દરરોજ લીલો ઘાસચારો મળી રહે તે માટે ૫ એકર જમીનમાં લીલું ઘાસ વાવવામાં આવે છે.

આટલા બધા પશુઓને એક સાથે દોહવા માટે આણંદ ડેરી અને બનાસ ડેરીના માર્ગદર્શનથી પંજાબની પેટર્ન મુજબ મિલ્કીંગ પાર્લરની વ્યવસ્થા કરી છે. જેમાં એક સાથે ૧૦ પશુઓનું દોહન ઓટોમેટીક મિલ્કીંગ મશીનથી થાય છે જેથી પશુઓને સમયસર દોહીને ડેરીમાં દૂધ ભરાવી શકાય. વીજળીની અસુવિધા હોય ત્યારે ડેરી ફાર્મનું કામ અટકે નહીં તે માટે ડીઝલ સંચાલિત જનરેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ઉનાળાની ગરમીની સીઝનમાં પશુઓને ગરમીથી રક્ષણ મળે તે માટે પંખા અને ફોગરની વ્યવસ્થા છે. ઘાસચારાની અછત હોય તેવા સમયમાં લીલા ઘાસનું અથાણું (સાઇલેજ) ના ઉપયોગથી પુરતુ દૂધ ઉત્પાદન મેળવે છે. જયારે ઓછા ઢોર હતા ત્યારે દૂધ ભરાવા ગામની દૂધ મંડળીમાં જવું પડતું હતું. હવે ખેતરની નજીકમાં જ દૂધ મંડળીની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સવાર-સાંજ તેઓ દૂધ ભરાવે છે.

પશુપાલનના વ્યવસાયમાં શ્રેષ્‍ઠ કામગીરી માટે શ્રીમતી કાનુબહેન ચૌધરીએ અનેક એવોર્ડો મેળવ્યા છે. વર્ષ-૨૦૧૬માં બનાસ ડેરી પાલનપુર દ્વારા બનાસ લક્ષ્‍મીનો એવોર્ડ, વર્ષ-૨૦૧૭માં એન.ડી.ડી.બી. આણંદ દ્વારા ઉત્કૃષ્‍ટ મહિલા દૂધ ઉત્પાદક પુરસ્કાર, બનાસ ડેરી દ્વારા શ્રેષ્‍ઠ બનાસ લક્ષ્‍મી એવોર્ડ, પશુપાલન વિભાગ દ્વારા શ્રેષ્‍ઠ પશુપાલક પ્રમાણપત્ર, શ્રી અર્બુદા યુવા ફાઉન્ડેશન ધાનેરા દ્વારા તેજસ્વી તારલા સન્માન, વર્ષ-૨૦૧૮માં મહિન્દ્રા સમૃધ્ધિ દ્વારા કૃષિ પ્રેરણા સન્માન અને મંતવ્ય ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ પ્રાપ્‍ત થયો છે. પાલનપુર ખાતે ૬૯માં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તથા  ભારત સરકારશ્રીના તત્કાલીન કૃષિ મંત્રીશ્રી રાધામોહનસિંહના હસ્તે શ્રીમતી કાનુબહેનને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રણમાં મીઠી વીરડી સમાન એશિયાની નંબર વન- બનાસ ડેરી અભણ મહિલાઓ માટે રોજગારીનું ઉત્તમ સાધન પુરવાર થઇ છે. બનાસકાંઠાની કેટલીય વિધવા બહેનો એક-બે ગાય ભેંસ રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે જયારે ઘણી નારી શક્તિઓએ આ વ્યવસાયમાં એવી તો સફળતા હાંસલ કરી છે કે સુપર ક્લાસ વન અધિકારીની નોકરીને પણ ટક્કર મારે આવી જ કેટલીક મહિલાઓ છે કે જેમણે વરસે ૨ લાખ લીટરથી વધુ દૂધ ભરાવીને સરેરાશ રૂ. ૫૦ લાખથી વધુની વાર્ષિક આવક મેળવી છે. જેમની સિધ્ધિઓની ગાથા નીચે મુજબ છે.

વર્ષ-૨૦૧૮-૧૯માં વધુ દૂધ ભરાવનાર બનાસકાંઠા જિલ્લાની મહિલા દૂધ ઉત્પાદકો

અ.નં. નામ ગામનું નામ તાલુકો કુલ દૂધ સંપાદન કિ.ગ્રા. કુલ કિંમત રૂ. (ભાવ ફેર વિના)
ચૌધરી કાનુબેન રાવતાભાઇ વિજાપુરા(ચારડા) ધાનેરા ૨,૭૬,૩૨૬ ૭૧,૨૨,૩૫૩
લોહ ગંગાબેન ગણેશભાઇ સાંગ્રોસણા પાલનપુર ૨,૫૮,૧૨૭ ૭૦,૮૦,૯૨૧
ચાવડા હંસાબા હિંમતસિંહ જોઇતા વડગામ ૨,૪૪,૮૮૦ ૬૦,૩૯,૨૧૪
ભટોળ દીપીકાબેન હરેશભાઇ ભાગળ(પી) પાલનપુર ૨,૩૧,૦૮૭ ૫૭,૯૪,૭૯૮
ચૌધરી લીલાબેન માંઘજીભાઇ ચીત્રોડા વડગામ ૨,૧૯,૭૦૫ ૫૬,૬૩,૪૯૭
રાજપૂત લીલાબેન સરદારજી ધનાલી વડગામ ૨,૨૮,૧૭૩ ૫૬,૧૪,૭૬૯
પટેલ ભુરીબેન માસુંગભાઇ શેરગઢ(કું) ધાનેરા ૨,૧૧,૫૩૯ ૫૪,૮૪,૭૬૬
ઉમતીયા બીસ્મીલ્લાહબેન પુંજપુર દાંતા ૨,૦૯,૮૭૩ ૫૪,૧૪,૯૩૮
પાંત્રોડ ભેરીબેન શંકરભાઇ થાવર ધાનેરા ૨,૦૬,૧૦૭ ૫૧,૫૯,૯૩૮
૧૦ ચૌધરી નવલબેન દલસંગભાઇ નગાણા વડગામ ૧,૫૫,૪૧૨ ૫૦,૪૪,૭૮૪

 

છેલ્લા ચાર વર્ષમાં બનાસ ડેરીએ ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીના નેતૃ્ત્વ અને માર્ગદર્શન હેઠળ નવી ઉંચાઇઓ હાંસલ કરી છે. ચાર વર્ષ અગાઉ પશુપાલકોને દર મહિને રૂ. ૩૮૧ કરોડ ચુકવવામાં આવતા હતા. આજે બનાસ ડેરી દ્વારા દર મહિને પશુપાલકોને રૂ. ૬૦૨ કરોડ જેટલી માતબર રકમ ચુકવવામાં આવે છે. બનાસ ડેરીનું ચાલુ વર્ષે દૈનિક દૂધ સંપાદન નવા રેકોર્ડ ૫૭.૮૮ લાખ લીટર પ્રતિ દિવસ પહોંચ્યું છે. દૂધના પોષણક્ષમ ભાવો પશુપાલકોને મળી રહે તે માટે બનાસ ડેરીએ દૂધ સંપાદન વધવાની સાથે સાથે દૂધની મૂલ્યવર્ધિત પેદાશોના વેચાણમાં ધરખમ વધારો કર્યો છે.

આમ રાજય સરકારશ્રીની નીતિ, બનાસ ડેરીનું સફળ સંચાલન અને નારી શક્તિઓના સથવારે બનાસ ડેરી ઘણા વર્ષોથી સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં પ્રથમ નંબરે રહી છે અને પ્રથમ નંબરનું ટાઇટલ જાળવી રાખવામાં ગામડાની અભણ મહિલાઓનો ફાળો સવિશેષ રહ્યો છે. (આલેખનઃ- શ્રી ડી. પી. રાજપૂત, ઇ.ચા.નાયબ માહિતી નિયામક,  બનાસકાંઠા, પાલનપુર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.