બનાસકાંઠામાં કુલ-૪૯ લોકોએ કોરોનાને મ્હાત આપી
કોરોનાને હરાવનાર વધુ ૮ વ્યક્તિઓને રજા અપાઇઃ- બનાસકાંઠાના ૩૨ અને ૧ મધ્યપ્રદેશનો કોરોના પોઝીટીવ દર્દી સારવાર હેઠળ
પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને હરાવનાર વધુ ૮ વ્યક્તિઓને ઘેર જવાની રજા અપાઇ છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં કુલ-૮૪ લોકો કોરોના સંક્રમિત થયા છે જેમાંથી કુલ-૪૯ દર્દીઓ સાજા થતાં તેમને પાલનપુર સીવીલ હોસ્પીટલમાંથી ઘેર જવાની રજા આપવામાં આવી છે. અત્યારે બનાસકાંઠા જિલ્લાના ૩૨ અને ૧ મધ્યપ્રદેશનો ૩૨ વર્ષીય યુવાન કોરોના પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે. પાલનપુર સીવીલમાં ૨૩ અને ડીસા કોવિડ હોસ્પીટલમાં ૧૦ એમ કુલ-૩૩ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ૨ દર્દીઓની સ્થિતિ ક્રિટીકલ છે જયારે ૩૧ દર્દીઓની સ્થિતિ સારી છે.
આજે રજા આપવામાં આવેલ વ્યક્તિઓમાં વડગામ તાલુકાના ઇસ્લામપુરા ગામના અબ્દુલવાહીદ શરીફ સુણસરા ઉ.વ. ૪૦ અને રહેમતઉલ્લા હબીબભાઇ ઉ.વ. ૫૦, પાલનપુર તાલુકાના વાસણી ગામના તારાબેન અંબારામ પંચાલ ઉ.વ. ૬૦ અને અરૂણાબેન કરશનભાઇ પંચાલ ઉ.વ. ૪૯, ગઢ ગામના જબુબેન કાળુભાઇ જગાણીયા ઉ.વ. ૬૨ અને મયુરભાઇ કાળુભાઇ જગાણીયા ઉ.વ. ૩૧, ડીસા સોની બજારના રહેવાસી ઉર્વશીબેન જયદીપભાઇ દૈયા ઉ.વ. ૨૩ અને જય નરેશભાઇ દૈયા ઉ.વ. ૧૦ નો સમાવેશ થાય છે.
આ ૮ વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવતા બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સીવીલ હોસ્પીટલ ખાતે તૈયાર કરાયેલ કોવિડ-૧૯ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. પાલનપુર સીવીલ સર્જન ર્ડા. ભરત મિસ્ત્રી અને અધિક્ષકશ્રી ર્ડા. સુનિલ જોષી સહિત અન્ય ર્ડાકટરોએ સાજા થયેલા દર્દીઓને શુભેચ્છાઓ પાઠવી, તાળીઓના ગડગડાટથી અભિવાદન કરી હોસ્પીટલમાંથી વિદાઇ આપી હતી.
અત્રે ઉલ્લેનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ૧૨૦૩ અને ૫ રાજસ્થાનના એમ કુલ-૧૨૦૮ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી ૧૧૨૦ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જયારે ૮૪ સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાંથી સાજા થયેલા ૪૯ વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૩ દર્દીઓના મોત થયા છે. ૨ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે.
કોરોનાને મ્હાત આપનાર વડગામ તાલુકાના ઇસ્લામપુરા ગામના શ્રી અબ્દુલવાહીદ શરીફ સુણસરા અને સારવાર મેળવાનાર અન્ય લોકોએ બનાસ મેડીકલ કોલેજ સંચાલિત હોસ્પીટલના તબીબો, નર્સો અને સ્ટાફની સેવાને બિદાવી આભાર વ્યક્ત કર્યો હતો.