બનાસકાંઠામાં પરિવારના છ લોકોને ખોરાકી ઝેરની અસર
બનાસકાંઠા: બનાસકાંઠામાં ગુંદરી ગામે એક જ પરિવારના છ સભ્યોને ફૂડ પોઇઝનિંગની અસર થતી હોવાની ઘટના સામે આવી છે. જેમાં સારવાર દરમિયાન બે લોકોના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય ચાર લોકો હજુ પણ સારવાર હેઠળ છે. બનાવને પગલે આરોગ્ય અને ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે. ધાનેરા તાલુકાના ગુંદરી ગામે અઠવાડિયા અગાઉ ફૂડ પોઇઝનિંગની અસર થતા ૬ લોકોની તબિયત લથડી હતી.
જેમાં જમ્યા બાદ આકોલિયા પરિવારના બે મહિલાઓ સહિત ચાર પુરુષોને અચાનક શરીર પર સોજાેઆવતા અસરગ્રસ્તોની તબિયત ગંભીર બની હતી. ઘટનાને પગલે અસરગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાેકે સારવાર દરમિયાન બે દિવસ અગાઉ જ્યોતિબેન આકોલીયા અને તેમની પુત્રી આરતીની તબિયત વધારે બગડતા મોત નિપજયું હતું.
આ ઘટનાની જાણ થતા જ ગામના જાગૃત લોકોએ તંત્રને જાણ કરી હતી જેથી ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગે આજે અસરગ્રસ્ત લોકોના ઘરે પહોંચ્યા હતા. અને તપાસ કરતાં શંકાસ્પદ તેલના કારણે ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક પૂછ પરછમાં જાણવા મળ્યું હતું. જેથી આરોગ્ય અને ફૂડની ટીમોએ વિવિધ ખાદ્ય સામગ્રીઓની ચકાસણી હાથ ધરી હતી. જ્યારે અસરગ્રસ્ત લોકોની તપાસ અને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફૂડ પોઈઝનિંગના કારણે એક જ પરિવારમાં માતા અને પુત્રીના મોત થતા આકોલીયા પરિવારમાં માતમ જેવી પરિસ્થિતિ છવાઈ હતી.