બનાસકાંઠામાં બે ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રી સહિત ત્રણનાં મોત
બનાસકાંઠા, બનાસકાંઠા માટે શનિવાર અપશુકનિયાળ સાબીત થયો છે. જિલ્લામાં સવારથી બપોરે સુધીમાં હીટ એન્ડ રનની બે ઘટનાઓ બની હતી. આ બંને ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના ત્રણ વ્યક્તિના મોત થયા છે. પ્રથમ અકસ્માતમાં પિતા-પુત્રી અને બીજા અકસ્માતમાં અજાણ્યા વ્યક્તિનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
કાણોદર પાસે પિતા-પુત્રીનું મોત : અમદાવાદ-પાલનપુર હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના બની હતી. આ અકસ્માતમાં ‘રાજસ્થાન ટુીરીસ્ટ’ લખેલી કારના ચાલકે પિતા-પુત્રીને અડફેટે લેતા તેમનું મોત થયું હતું.પ્રાપ્ત અહેવાલો મુજબ આ ઘટના કાણોદર પાસે બની હતી જેમાં બંને વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા. પિતા-પુત્રીને અકસ્માતમાં મોતની ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ પરિવારમાં માતમ છવાઈ ગયો છે જ્યારે પિતા-પુત્રીના મૃત શરીરને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં લવાયા હતા.
કાણોદર પાસે હાઇવે પરથી પસાર થઈ રહેલી કારે શાળા જતા પિતા-પુત્રીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પુત્રીને શાળાએ મૂકવા જઈ રહેલા પિતા અહમદભાઈ ભીખાભાઈ મીર અને પુત્રી આગિયાનાનું મોત થયું હતું. અહેવાલો મુજબ પિતા સાત બાળકોના પરિવારના એક માત્ર ભરણભોષણ કરનાર હતા. શિહોરી હાઇવે પર બીજો અકસ્માત : જિલ્લામાં બીજી ગોઝારી ઘટના કાંકરેજ તાલુકાના શિહોરી પાસે ઘટી હતી. આ ઘટનામાં અજાણ્યા વાહન ચાલકની ટક્કરે બાઇક સવાર વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માતના પગલે થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતના પગલે વટેમાર્ગુઓ એકઠા થઈ જતા નેશનલ હાઇવે ઓથોરિટીએ ટ્રાફિક હટાવવો પડ્યો હતો.