બનાસકાંઠામાં મતદાર જાગૃતિ માટે ગેસ બોટલ પર મતદાન જાગૃતિના સ્ટીકર લગાવાયા
(માહિતી બ્યુરો પાલનપુર) મતદાર લોકશાહીનો રાજા છે. લોકશાહીને મજબુત બનાવવા દરેક વ્યક્તિ મતદાન કરે એ જરૂરી છે. આ હેતુને સાકાર કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.
આગામી તારીખ ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૧ના રોજ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમ નોડલ ઓફીસર તરીકેની કામગીરી સંભાળી રહેલા શ્રી મુકેશભાઇ ચાવડાના આયોજન મુજબ મતદારોને જાગૃત કરવા ચૂંટણી વિસ્તારોમાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
મતદાનનો સંદેશો ગૃહિણીઓ સુધી પહોંચે અને મહિલાઓ પણ લોકશાહીના પર્વમાં ભાગીદાર બને તે માટે ભારત ગેસ એજન્સી પાલનપુર ખાતે ગેસ બોટલ પર મતદાતા જાગૃતિના સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મતદારો મતદાન કરે તે માટે વિવિધ સ્લોગનના સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હતાં.
વિવિધ ગેસ એજેન્સીઓ દ્વારા ગેસ વપરાશ કરતાં ગ્રાહકોને ગેસ બોટલની હોમ ડીલીવરી કરવામાં આવે છે. જે મારફતે મતદારોને જાગૃત કરવાનો એક સફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાલનપુર ખાતેની ધરતી ગેસ એજેન્સીના માલિક શ્રી કિરણ પટેલે મતદાર જાગૃતિના આ કાર્યમાં સહયોગ આપી વધુમાં વધુ બોટલ પર સ્ટીકર લગાવવામાં આવશે તેની ખાતરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ શિક્ષકશ્રી ગંગારામ પટેલ અને સાહિલ સિન્ધી દ્વારા કરવામાં આવ્યો હતો.