બનાસકાંઠા જિલ્લાના ગામમાં ડામ અપાયેલી સાત માસની બાળકીનું મોત
અમદાવાદ, બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકાના ગણતા ગામમાં તાવની વિધિ કરવાના ભાગરૂપે ૭ માસની એક માસૂમ બાળકીને બહુ ખરાબ અને ગંભીર રીતે ડામ અપાયા હતા. ગરમ ચીપીયાથી ડામ અપાયા બાદ ઉલ્ટાનું બાળકીની તબિયત લથડતાં તેને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી., જયાં તેનું આખરે કરૂણ મોત નીપજયુ હતુ.
જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ છે. બીજીબાજુ, બાળકીના મોતને લઇ હવે સમગ્ર મામલામાં પોલીસે પણ તપાસ હાથ ધરી છે. તો, મહિલા અને બાળ વિકાસ આયોગ પણ બાળકીના મોત બાદ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ આકરી કાર્યવાહી કરે તેવુ મનાઇ રહ્યું છે. બાળકીના મોત બાદ આજે ડામ આપવાનો સમગ્ર મામલો અને વિવાદ ગરમાયો છે. આ પ્રકરણમાં સાત મહિનાની માસૂમ બાળકીને હવે ભુવા વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરવા પણ સ્થાનિક દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.
અંધશ્રધ્ધાના ઓઠા હેઠળ માસૂમ બાળકો પર અત્યાચારની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી વધી રહી હોવાને લઇ તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે ત્યારે આ સમગ્ર કિસ્સાની ગંભીર નોંધ લઇ રાજય મહિલા બાળ આયોગ પણ હરકતમાં આવ્યું હતું અને બાળકીને ડામ અપાવાના કેસમાં સમગ્ર તપાસ અહેવાલ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી માંગ્યો છે. આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જિલ્લાના લાખણીના ગણાતા ગામમાં એક ગરીબ પરિવારની ૭ માસની બાળકી બીમાર થઇ હતી.
જા કે, બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાના બદલે પરિવાર અસાસણ ગામના ભૂવા પાસે પહોંચ્યો હતો. જ્યાં ભૂવાએ બાળકીની સારવાર કરવાના બહાને ગરમ ચીપીયાથી આ માસૂમને ડામ આપ્યા હતા. ભૂવાએ માસૂમ બાળકીને પેટના ભાગ પર ચીપીયાના ડામ આપ્યા હતા. ડામ આપવાથી પણ બાળકીના સ્વાસ્થ્યમાં સુધારો તો થયો નહી પરંતુ ઉલ્ટાની બાળકીની તબિયત વધુ લથડી હતી. જેથી પરિવાર બાળકીને લઇને હોસ્પિટલ લઇ ગયો હતો.
જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકીને વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જા કે, આજે સારવાર દરમ્યાન પીડિત બાળકીનું કરૂણ મોત નીપજયુ હતું., જેને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. હવે આ સમગ્ર મામલામાં પોલીસ અને મહિલા બાળ વિકાસ આયોગ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી તેવી ઉગ્ર માંગ ઉઠી છે.