બનાસકાંઠા જિલ્લામાં તીડનું આક્રમણ
પાલનપુર: ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તીડની આવનજાવન ચાલુ છે. પહેલા ‘કોરોના’ની માર, હવે ‘તીડ’થી હાહાકાર. ગુજરાતના અનેક જિલ્લાઓમાં તીડના આતંકે હજારો હેક્ટર પાકને નુકસાન કર્યું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઇગામ અને વાવના ગામોમાં ફરીથી તીડના ટોળા દેખાયા છે. સુઇગામના કોરેટી, લીંબાળા, મોરવાડા ગામોમાં તીડના નાના ઝુંડ આવી પહોંચ્યા છે. વાવના એટા અને લાલપુરા ગામોમાં પણ ફરી તીડ જોવા મળ્યા છે.
બનાસકાંઠાના સરહદી પંથકમાં સફેદ અને લાલ કલરના તીડ આવતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ વર્ષે સતત છઠ્ઠી વખત બનાસકાંઠા જિલ્લામાં તીડ આવ્યા છે. તો બીજી તરફ, આ વર્ષ ખેડૂતો માટે અનેક કુદરતી આપત્તિઓ વચ્ચે પસાર થઈ રહ્યું છે. હાલ જ્યારે ચોમાસાની વાવણીની મોસમ ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠાના ખેડૂતોને તીડ પરેશાન કરી રહ્યાં છે.
તો છેલ્લાં બેચાર દિવસોમાં અરવલ્લી અને પાટણમાં પણ તીડના ટોળા ફરી દેખાયા છે. અરવલ્લી જિલ્લામાં તીડ આવી પહોંચ્યા હતા. ભિલોડાના મઉ, ફતેપુર, કાળીડુંગરી, ઝૂમસર ગામોમાં તીડ દેખાયા હતા. ખેતીવાડી વિભાગની ૧૦ ટીમ અરવલ્લી પહોંચી હતી. ગ્રામલોકોએ થાળીઓ વગાડીને તીડ ભગાડ્યા હતા. તો પાટણ જિલ્લાના સરહદી ગામોમાં પણ ફરી તીડ દેખાયા છે. સાંતલપુર તાલુકાના છેવાડાના રોઝુ, વૌવા, મઢુંત્રા જેવા ગામોમાં તીડ દેખાયા છે. ગ્રામજનોએ જાતે તીડને ભગાડવા કાર્યવાહી હાથ ધરી હતી. સરહદી સીમાડામાં બાવળો પર તીડના તોડા બેઠેલા જોવા મળતાં ગ્રામજનોએ તેને ઉડાડયા હતા.