બનાસકાંઠા જીલ્લાના તળાવો ઉનાળા પહેલાં જ તળીયા ઝાટક: ધારાસભ્યોએ રેલી યોજી
બનાસકાંઠામાં પાણીની વિકટ તંગીઃ ધારાસભ્યોએ રેલી યોજી રજૂઆત કરી -જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તાકીદે પીવાના પાણીની વ્યવસ્થા કરવા જણાવ્યું
પાલનપુર, બનાસકાંઠા જીલ્લામાં દિન-પ્રતીદીન જળસંકટ ઘેરું બનતું જાય છે. જેને લઈ બનાસકાંઠા જીલ્લાના કોગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં અવારનવાર રજુઆતો કરવામાં આવી છે. આજે બનાસકાંઠા જીલ્લાની પરીસ્થિતી એકદમ વિપરીત થવા પામી છે.
તેમજ બનાસકાંઠા જીલ્લાના જળાશયો પણ તળીયાઝાટક છે. આગામી દિવસોમાં પીવાના પાણીની અને ખેતી માટે ખૂબ વિકટ પરીસ્થિતી ઉભી થવા પામી છે. જેને લઈને બનાસકાંઠા કોગ્રેસના અધ્યક્ષ દિનેશ ગઢવીની આગેવાનીમાં પાલનપુરમાં ધાનિયાણા ચોકડીથી મોટી સંખ્યામાં જીલ્લાના ધારાસભ્યો, કાર્યકરો, અગ્રણીઓ સાથે વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કિસાનો પણ પોતાની સળગતી સમસ્યાને લઈને જાેડાયા હતા.
મૌન રેલી કલેકટર કચેરીના પ્રાંગણમાં આવી જીલ્લાના દરેક ધારાસભ્યોએ વકતવ્ય આપ્યું હતું. સુત્રોચ્ચાર કરી તેમજ પોસ્ટર બેનર થકી આક્રોશ અને વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં કલેકટર કચેરીના મુખ્ય દ્વાર પાસે જઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. જયારે જીલ્લાના અન્ય ધારાસભ્યોએ પણ મીડીયા સમક્ષ સળગતી સમસ્યાના પ્રશ્નોને લઈને આક્રોશ ઠાલવ્યો હતો.
જીલ્લા કોગ્રેસના અધ્યક્ષ દિનેશ ગઢવીએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જીલ્લાના જળાશયોના પાણીના સ્તર ખૂબ જ નીચા થયા છે. આગામી સમયે બનાસકાંઠા જીલ્લા માટે પાણીની ખૂબ જ વિકટ પરીસ્થિતી સર્જાય તેવા એધાણ સર્જાય છે.
બનાસકાંઠા જીલ્લા કોગ્રેસ સમીતીએ તો બનાસકાંઠા જીલ્લાના ધારાસભ્યો દ્વારા લેખીત, મૌખીક અને વિધાનસભામાં ઉગ્ર રજુઆત કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ ઠોસ પગલાં ભરવામાં આવ્યાં નથી. વડગામ તાલુકાના કર્માવદ તળાવ અને પાલનપુર તાલુકાના મલાણા તળાવ ભરવા માટે પણ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે,
આ તળાવો ભરાય તો આગામી દિવસોમાં પીવાના પાણી અને સિંચાઈ માટેનું સંકટ દૂર થાય તેમ છે. બનાસકાંઠા જીલ્લાના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય કાંતીભાઈ ખેરાડી, ધાનેરા ધારાસભ્ય નથાભાઈ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત, દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા સહિતના નેતાઓ જાેડાયા હતા.