બનાસકાંઠા જીલ્લામાં તીડ નિયંત્રણ માટે પ્રયાસો યુધ્ધના ધોરણે શરુ
પાલનપુર: બનાસકાંઠા જીલ્લામાં તીડના ઝુંડને નિયંત્રણમાં લેવા તેમજ આગળ વધતું અટકાવવા માટે યુધ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભારત સરકારશ્રીના તીડ નિયંત્રણ વિભાગની ૧૯ ટીમો દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરી તીડનો સફાયો કરવામાં આવી રહ્યો છે.
ઉપરાંત ખેડૂતોના સહકારથી ૨૫ થી વધુ ટ્રેકટરો દ્વારા માઉન્ટેડ સ્પ્રેયરથી પણ તીડ નિયંત્રણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ખેતીવાડી અને બાગાયત વિભાગની ૨૭ ટીમો તીડ સર્વેલન્સની કામગીરી કરી રહી છે. બનાસકાંઠા જીલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલે સમગ્ર પરિસ્થિતી પર ઝીણવટભરી નજર રાખી જરૂરી સુચના અને માર્ગદર્શન આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તીડ નિયંત્રણ માટે દવાનો છંટકાવ સવારે ૬-૩૦ વાગ્યાથી ૧૦-૩૦ વાગ્યા સુધી કરી શકાય છે.
તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ તાલુકાની બોર્ડરે રાજસ્થાન તરફથી તીડનુ મોટું ઝુન્ડ પ્રવેશ્યાના પગલે તીડ સર્વેલન્સની કામગીરી અને તીડ કન્ટ્રોલની કામગીરીના જાત નિરીક્ષણ અને સમીક્ષા સારૂ ગાંધીનગરથી ગુજરાત રાજ્યના ખેતી નિયામક શ્રી બી. એમ. મોદી, બનાસકાંઠાના કલેક્ટરશ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહિયા, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી આર. કે પટેલ, સંયુક્ત ખેતી નિયામક મહેસાણા શ્રી પી ડી રાઠોડ, ભારત સરકારના સંયુક્ત નિયામક, ફરીદાબાદ શ્રી જે.પી.સીંગ વિગેરેએ થરાદ તાલુકાના તીડ પ્રભાવીત ગામ રડકા ખાતે વહેલી સવારે મુલાકાત લઇ તીડ નિયંત્રણની કામગીરીનું જાત નિરીક્ષણ કરી ટીમોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આત્મા દ્વારા ખેડૂતોમાં જાણકારી માટે પ્રચાર પ્રસારની કામગીરી છે. ખેતીવાડી, બાગાયત અને તીડ નિયંત્રણ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા સાથ સહકાર આપનાર ખેડૂતોનો આભાર માની ખેડૂતોને આહવાન કરાયું છે કે આપણે સૌ સાથે મળી તીડ નિયંત્રણની કામગીરી કરીએ