Western Times News

Gujarati News

બનાસકાંઠા પાસે અકસ્માતમાં ચારના મોત

અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ હાઇવે પર મમતા હોટલ પાસે આજે બપોરે એક મીની બસ, ટ્રક અને કાર વચ્ચે વિચિત્ર પ્રકારનો ત્રિપલ અકસ્માત સર્જાતાં ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા, જયારે અન્ય દસથી વધુને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે સમગ્ર હાઇવે પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.

લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. એકસાથે અકસ્માતમાં ચાર લોકોના મોતને લઇ સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ હાઇવે પર મમતા હોટલ પાસે આજે બપોરે એક મીની બસ, ટ્રક અને કાર વચ્ચે વિચિત્ર પ્રકારનો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં કારના ભુક્કા બોલી ગયા હતા તો,મીની બસને પણ ખાસ્સુ નુકસાન થયુ હતું.

ત્રિપલ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજતાં ભારે ચકચાર મચી ગઇ હતી, તો અન્ય દસથી વધુને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં  સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ઇજા પામેલા મુસાફરોની રોકકળ અને ચીસાચીસથી વાતાવરણ ગમગીન અને હૃદયદ્રાવક બની રહ્યું હતું. મીની બસ, ટ્રક અને કાર વચ્ચેના ત્રિપલ અકસ્માતને પગલે આ હાઇવે પર આખો રસ્તો બ્લોક થઇ ગયો હતો અને ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.

અક્સ્માતને લઇ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને પરિસ્થિતિ  સંભાળી હતી અને હાઇવે પૂર્વવત્‌ બનાવ્યો હતો. પોલીસે સમગ્ર બનાવને લઇ જરૂરી તપાસ હાથ ધરી હતી.

બીજીબાજુ, સ્થાનિક રહીશોએ આક્રોશ ઠાલવ્યો હતો કે, આ હાઇવે પર અવારનવાર અક્સ્માતો સર્જાતા હોય છે ત્યારે તંત્ર દ્વારા સ્પીડબ્રેકર કે અન્ય કોઇ રક્ષણાત્મક પગલાં લેવાતા નથી અને આજે વધુ ત્રિપલ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તંત્રએ આ હાઇવે પર અકસ્માતો નિવારવા સાઇનબોર્ડ, સ્પીડબ્રેકર સહિતના જરૂરી વિકલ્પોનો અમલ કરવો જાઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.