બપોરે જમીને ડાબે પડખે થવાની પધ્ધતિ “વામકુક્ષી” આજે પણ હયાત
શહેરી વિસ્તારમાં પ૦ ટકા કરતા વધુ લોકો બપોરે ઘરે જઈને જમતા હોવાનું અનુમાન: “લંચ બોક્સ”માં પણ ‘હેવીફૂડ’નો કન્સેપ્ટ યથાવત
(પ્રતિનિધિ) અમદાવાદ, જમ્યા પછી ડાબા પડખે પા કલાક પણ આડા પડવુ જાેઈએ. બીજા શબ્દોમાં તેની “વામકુક્ષી” કહેવાય છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આજે પણ બપોરે જમીને આરામ કરનાર મોટો વર્ગ છે. જાેકે તેમાં સુધારો જરૂર થયો છે. બાકી અગાઉના વર્ષોમાં તો બપોરના ૧ થી ૪ વાગ્યા સુધી બજારોમાં સન્નાટો જાેવા મળતો.
તો ઓફિસોમાં બપોરે ‘વાળુ’ કરવા આવતા થોડી ઝબકી મારી લેતા. તેમાંય ઉનાળામાં તો આ પ્રકારનું વાતાવરણ જાેવા મળતુ હતુ રસ-રોટલી- શીખંડ-પૂરી ખાધા પછી ઘેન ચડે એટલી ભલીભાતી વ્યક્તિ અડધો કલાક આડો પડયા વિના રહે નહી.
શહેરોમાં આજકાલ આ વાત કરીએ તો નવાઈ જરૂર લાગે. પણ સરકારી કે પ્રાઈવેટ ઓફિસોમાં પણ જમ્યા પછી પાંચ-દસ મીનીટ આંખ મીંચનારો વર્ગ જાેવા મળશે. ખાસ કરીને કોર્પોરેટ ઓફિસો સાથે સંકળાયેલા લોકો એટલે જ બપોરના હેવી લંચ લેતા નથી. આજકાલ તો “પાવર પેક લંચ” શબ્દ વપરાય છે.
હેવી (ભારે) ખાવાનું લગભગ યુવા પેઢી ટાળે છે. બપોરના લંચ સમયે “હેવી” ખાવાનું ખાવાથી કામ દરમિયાન જાેકે ચડી જવાતુ હોવાથી “હાઈજેનીક ફૂડ”નો ઉપયોગ વધ્યો છે બહારથી સ્પેશિયલ મંગાવવામાં આવતા લંચમાં આ વાતનું ધ્યાન રાખવામાં આવે છે. ઓઈલી ખાવાનાને યુવા પેઢી ટાળી રહી છે તો સામે પક્ષે વડાપાઉ, દાબેલી કે પીત્ઝા ખાનાર વર્ગ વધ્યો છે.
પરંતુ હજુ પણ જે લોકોના કામકાજના સ્થળથી ઘર નજીક છે તેઓ આજની તારીખમાં જમવા માટે ઘરે જાય છે. શહેરી વિસ્તારમાં કામ-ધંધો કરનારા તેમાં પણ દુકાનદાર માલિકો કામના સ્થળથી ઘર નજીક હોવાને કારણે બપોરના ઘરે જઈને જમે છે. રાયપુર સૌરાષ્ટ્ર ફરસાણના મિલનભાઈ પંચાલનું કહેવું છે કે શહેરી વિસ્તારમાં હજુ પણ પ૦ થી ૬૦ ટકા દુકાનદારો કે કામ કરતા લોકો બપોરના ઘરે જમવા જાય છે.
બપોરના સમયે લગભગ બધાને જમવાનો સમય થતો હોવાથી ૧ થી ૩ દરમિયાન ટ્રાફિક અને ઘરાકી બંને ઓછી થઈ જાય છે ટૂંકમાં બપોરના જમીને આડે પડખે થવાની પધ્ધતિ સાવ ગઈ નથી.
ગુજરાતમાં સામાન્ય રીતે “ફૂડ હેબીટ”ને જાેઈએ તો લંચબોક્સમાં પણ દાળ ભાત- શાક- રોટલી લાવનાર વર્ગ છે. ઉનાળામાં ફૂલ મેનુ સાથેનું ભોજન જાેકે ચડાવી દે છે. અમદાવાદ જેવા શહેરમાં તો અત્યારથી જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે પરિણામે બપોરના સમયે સુસ્તી આવ્યા વિના રહે નહી. કદાચ સુસ્તી ઉડાડવા “કટીંગ ચા”નુ વલણ પણ ગુજરાતમાં વિશેષ જાેવા મળે છે.