બમણી વયના પતિથી ત્રાસેલી મહિલાને અભયમે બચાવી
અમદાવાદ: કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લાગુ થયેલા લોકડાઉનમાં ઘરેલુ હિંસાની ફરિયાદો ખૂબ જ ઝડપથી વધતી જોવા મળી હતી. આ સ્થિતિમાં મહિના હેલ્પલાઈન નંબર ૧૮૧એ મહિલાઓનું રેસ્ક્યૂ તેમજ પરિવારના સભ્યોનું કાઉન્સેલિંગ કર્યું હોય તેવી પ્રવૃતિઓમાં પણ વધારો થયો હતો.
સરકારે લોકડાઉન તો હટાવી લીધું પરંતુ ઘરેલુ હિંસાના કેસ ઘટ્યા હોય તેમ લાગતું નથી. અમદાવાદ શહેરમાં સોમવારે ઘરેલુ હિંસાનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો.
જેમાં ૨૫ વર્ષની પીડિતાએ પાડોશીની મદદથી ૧૮૧ મહિલા હેલ્પલાઈનને ફોન કરતાં ટીમે તેને બચાવી લીધી હતી. મૂળ લખનઉની પીડિતાએ હેલ્પલાઈન પર ફોન કરીને જણાવ્યું હતું કે, તેનો પતિ તેને રૂમમાં પૂરીને મારઝૂડ કરે છે અને તે મુશ્કેલીથી ત્યાંથી નીકળીને બીજાના ફોનમાંથી મદદ માટે કોલ કરી રહી છે. ફરિયાદ મળ્યા બાદ હેલ્પલાઈન ટીમના કાઉન્સેલર અંજના વોરા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પીડિતાએ તેમની સાથે વાત કરતાં કહ્યું હતું કે, તેના માતા-પિતાએ તેની મરજી વિરુદ્ધ તેનાથી બમણી ઉંમરના ૫૦ વર્ષના વ્યક્તિ સાથે લગ્ન કરાવ્યા હતા. તેનો પતિ રોજ શારીરિક સંબધ બાંધવા માટે બળજબરી કરતો હતો અને જો તે ના પાડે તો તેનો પતિ તેના પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોંચાડતો હતો. જે હવે અસહ્ય થઈ રહ્યું હતું.
પીડિતાના માતા-પિતાએ પૈસા માટે લગ્ન કરાવ્યા હોવાથી તે પિયર પણ જઈ શકે તેમ નહોતી અને તેથી તેણે ૧૮૧ હેલ્પલાઈનની મદદ માગી હતી. હાલ પીડિતાને સુરક્ષા ગૃહમાં મોકલવામાં આવી છે.
આ વિષયમાં અગાઉ સામાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાના કેસો અચાનક વધવા પાછળનું એક કારણ લોકડાઉન બાદનો તણાવ છે. પરિવાર જો સાથે રહે તો તેમના સંબંધ મજબૂત બને છે, પરંતુ હાલની સ્થિતિએ આપણી સામાજિક અને આર્થિક લાઈફને ઘણી અસર કરી છે.
મહામારી પહેલા પણ જીવનમાં તણાવ હતો, પરંતુ વ્યક્તિ કામથી બહાર જાય ત્યારે તે ઘરના પ્રોબ્લેમ્સ ભૂલી જતો હતો. કેટલાક નોકરી ગુમાવવા અને આવક ઘટવાથી સ્ટ્રેસમાં છે.
આપણા સમાજમાં પતિ પોતાની પત્ની અથવા બાળકો પર ગુસ્સો કાઢે છે અને આવું જ થયું છે. પરિણામે નાની બાબતમાં પણ ઝઘડા થઈ રહ્યા છે અને ઘરેલું હિંસાના કેસ વધી રહ્યા છે.