બરેલીની જેલમાં ત્રણ કેદીનાં મોતથી ખળભળાટ
બરેલી, ઉત્તર પ્રદેશના બરેલીમાં બે જુદી જુદી જેલમાં 48 કલાકમાં ત્રણ કેદીના થયેલા મૃત્યુથી ખળભળાટ મચી ગયો હતો. જેલ સત્તાવાળાએ કહ્યું કે ત્રણે કેદી વયોવૃદ્ધ અને બીમાર હતા. ત્રણે કુદરતી મોતથી મર્યા હતા. જો કે સ્થાનિક વહીવટી તંત્રના આદેશથી ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અને પોલીસ વડાએ જેલની મુલાકાત લીધી હતી.
સોમવારે સવારે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ નીતિશ કુમાર અને સિનિયર પોલીસ સુપરિન્ટેન્ડ્ન્ટ શૈલેશ પાંડેએ જેલની મુલાકાત લીધી હતી અને જાત નિરીક્ષણ કર્યું હતું. તેમણે કેદીઓ સાથે રૂબરૂ વાત કરવા ઉપરાંત તેમના ખાનપાનની સગવડોની પણ નોંધ લીધી હતી. જેલની મુલાકાત લેનારા અધિકારીઓને તમામ વ્યવસ્થા યોગ્ય લાગી હતી. ત્રણમાંના બે કેદીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ પોલીસ તંત્રને મળી ચૂક્યા હતા. આ રિપોર્ટમાં પણ જણાવાયું હતું કે મરનાર કેદીઓ કુદરતી મોતથી મર્યા હતા. સિનિયર સુપરિન્ટેન્ડન્ટ શૈલેશ પાંડેએ કહ્યું હતું કે એેક જ દિવસમાં ત્રણ મૃત્યુ થયા એટલે હો હા થઇ હતી. અમે તપાસ કરી હતી. કશું અયોગ્ય થયું નથી તેમ મરનાર કેદીઓના કુટુંબીજનોને પણ કોઇ શંકા કે ફરિયાદ નથી.