બરોડા ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા દ્વારા પાટણ સબજેલ ખાતે દસ દિવસીય ફાસ્ટફૂ઼ડ સ્ટોલ ઉદ્યમી તાલીમ યોજાઈ
કેદીઓ જેલમુક્તિ બાદ સ્વરોજગાર થકી પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે યોજાયેલી તાલીમના અંતે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા
બરોડા આરસેટીમાં અગાઉ તાલીમ પામેલા અને હાલ વિવિધ રેસ્ટોરન્ટ્સના કૂક દ્વારા પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઈન્ડિયન, ગુજરાતી અને નાસ્તાની વિવિધ વાનગીઓ બનાવવા પ્રેકટીકલ તાલીમ અપાઈ
પાટણ પાટણના સુજનીપુર પાસે આવેલી પાટણ સબ જેલ ખાતે કેદીઓ માટેની સ્વરોજગાર તાલીમ શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાયો. બરોડા આરસેટી દ્વારા આયોજીત ફાસ્ટફૂડ સ્ટોલ ઉદ્યમીની દસ દિવસીય તાલીમના અંતે તાલીમાર્થી કેદીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
ગુનાઈત પ્રવૃત્તિ બદલ જેલની સજા ભોગવી રહેલા પાટણ સબ જેલના કેદીઓ જેલમુક્તિ બાદ સ્વરોજગાર થકી આવક ઉભી કરી પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે ખાસ તાલીમ શિબિર યોજવામાં આવી હતી. જેલ અધિક્ષકશ્રી એમ.એમ.દેસાઈના પ્રયત્નોથી બરોડા ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા દ્વારા તા.૧૭ ફેબ્રુઆરીથી શરૂ થયેલી દસ દિવસીય ફાસ્ટફૂડ સ્ટોલ ઉદ્યમી તાલીમના અંતે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જેલ અધિક્ષકશ્રી એમ.એમ.દેસાઈએ જણાવ્યું કે, અહીં જેલમાં સમયના સદ્ઉપયોગ સાથે નવી સ્કિલ કેળવી કેદીઓ જેલમુક્તિ બાદ પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે આ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જીવનની એક નવી શરૂઆત કરી સ્વમાનભેર પોતાની આવક ઉભી કરી શકે તે માટે અહીંથી મેળવેલી તાલીમ તેમને ચોક્કસ ઉપયોગી નિવડશે.
બરોડા ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા દ્વારા આયોજીત આ તાલીમ શિબિરના દસ દિવસ દરમ્યાન પાટણ સબજેલના ૩૦ જેટલા કેદીઓને ફાસ્ટફૂડ બનાવવા માટેની તાલીમ આપવામાં આવી હતી. બરોડા-આરસેટીમાં અગાઉ તાલીમ પામેલા અને હાલમાં વિવિધ રેસ્ટોરન્ટ્સમાં કૂક તરીકે કામ કરતાં નિષ્ણાંતો દ્વારા પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઈન્ડિયન, ગુજરાતી અને નાસ્તાની વિવિધ વાનગીઓ બનાવવા પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ બાદના પોતાના અનુભવ વર્ણવતાં કેદી દેવેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું કે, જેલમાંથી છુટ્યા બાદ અમે પોતાનો ધંધો શરૂ કરી શકીએ તે માટે જેલમાં જ યોજવામાં આવેલી આ તાલીમથી અમને ફાયદો થશે. સાથે જ જેલમાં કરવામાં આવી રહેલી આવી પ્રવૃત્તિઓના કારણે અમારી માનસિકતામાં હકારાત્મકતા આવી છે. ભુતકાળમાં કરેલી ભુલોની સજા ભોગવી નવા જીવન માટે આશાવાદી બન્યા છીએ.
પાટણ સબજેલ ખાતે તાલીમ દરમ્યાન બરોડા આરસેટીના ફેકલ્ટીશ્રી આશિષભાઈ જોષી તથા શ્રી મુકેશભાઈ ઠાકોર દ્વારા રાજ્ય સરકાર દ્વારા અમલી સ્વરોજગાર માટેની વિવિધ યોજનાઓ અને સહાય અંગે માહિતી આપી લોન મેળવવા માટેની પ્રક્રિયા સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારની સહાય અને બેંક લોન દ્વારા કઈ રીતે ખૂબ જ ઓછા રોકાણ સાથે સ્વરોજગાર થકી આર્થિક ઉપાર્જન કરી શકાય તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે કેદીઓના માનસમાં હકારાત્મક અભિગમ પેદા થાય તે માટે પર્સનાલીટી ડેવલપમેન્ટ અને પોઝીટીવ થિંકીગ જેવા વિષયોને પણ તાલીમ દરમ્યાન આવરી લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશશ્રી કે.આર.ગજ્જર, બરોડા આરસેટીના કર્મચારીશ્રીઓ, જેલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીશ્રીઓ તથા તાલીમાર્થી કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા.