બરોડા ડેરીના ડિરેકટર તથા ભાજપના કુલદીપસિંહ સામે પોલીસ મથકમાં ગુનો નોંધાયો
પેટ્રોલપંપ પર ફરજ બજાવતા મેનેજર અને ચાર કર્મચારીઓને બરોડા ડેરીના ડિરેક્ટરની ધમકી
વડોદરા, વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાન તથા બરોડા ડેરીના ડીરેકટરે પેટ્રોલ પંપના મેનેજર અને ચાર ફિલરોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિગતો પોલીસ મથકે પહોંચતા રાજકીય મોરચે હોબાળો મચી ગયો છે.
તેઓએ જબરજસ્તી ધાક ધમકી આપીને પેટ્રોલપંપ ઉપર ફરજ બજાવતાં કર્મચારીઓ પાસે સ્ટેમ્પ પેપર ‘અમે પૈસાની ઉચાણ કરી છે’ તેવુ લખાણ લખાવીને રૂપિયા સાઈઠ લાખની વસૂલાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો મામલે ડેસર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસ મથકમાં આ મામલે ગુનો દાખલ થતા રાજકીય મોરચે હોબાળો મચી ગયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ડેસર-સાવલીના માર્ગ ઉપર વરણોલી સ્ટેન્ડ નજીક આવેલા વિશ્વા પેટ્રોલપંપ ઉપર મેનેજર તરીકે વિરલકુમાર ગિરવતસિંહ ચૌહાણ (ઉ.૪૦ વર્ષ) (રહે. અમરેશ્વર (કલ્યાણા) તા. ગોધરા) અને તેઓની સાથે પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ સીએનજી નાખવાનુ ંકામ કરતા ફીલરો રણજીતસિંહ રાઠોડ, સત્યમસિંહ પરમાર, વિરપાલસિંહ રાઠોડ, ત્રણેવ (રહે. મેરાકુવા તા.ડેસર)
અને દશરથસિંહ ચાવડા (રહે. હટીસિંહની મુવાડી તા.ગોધરા) ઉપરોકત પાંચેવ કર્મચારીઓ છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવે છે. પેટ્રોલપંપના માલિક વેજપુરના પ્રવિણસિંહ ઉદેસહ રાઉલજી છે પરંતુ પેટ્રોલપંપનો તમામ વહીવટ વડોદરા ડેરીના ડિરેકટર કુલદીપસિંહ રાઉલજી (રહે. વેજપુર તા.ડેસર હાલ રહે મકરપુરા વડોદરા) કરે છે. પ્રવિણસિંહ તેઓના નાના ભાઈ છે.
ગત તા.ર૧ જૂને રાત્રે ૮ વાગ્યાના અરસામાં કુલદીપસિંહ રાઉલજી તેમના એકાઉન્ટન્ટને લઈને પેટ્રોલપંપ ઉપર આવ્યા હતા, પંપ ઉપર હાજર ફીલરો સત્યમ સિંહ અને વીરપાલસિંહ બનેવને હિસાબના ચોપડા લઈ રાત્રે ૧૧ વાગે બોલાવ્યા હતા. ફિલરોને તેઓએ જણાવ્યું હતું કે હિસાબમાં ગોટાળા થયેલા છે તમામ ફિલરો કાલે સવારે આવી જજો.
બીજા દિવસે સવારે ૧૦ વાગે પેટ્રોલપંપની પાછળ આવેલી તેમની ઓફિસે તમામ કર્મચારીઓ ભેગા થયા હતા ત્યારે કુલદીપસિંહ રાઉલજી અને સંજયસિંહ રાઉલજી ઉશ્કેરાઈને અણછાજતી ખરાબ ગાળોનો વરસાદ વરસાવી જણાવતા હતા કે ‘તમે મારા પેટ્રોલપંપમાંથી ગોટાળા કરીને રૂપિયા ૬૦ લાખ લઈ ગયા છો, આટલી મોટી રકમની વાત કરતા સામાન્ય નોકીર કરતા કર્મચારીઓ ડઘાઈ ગયા હતા.
તેઓના પગ નીચેથી જમીન ખસી જાય તેટલી હદે ટેન્શમાં આવી ગયા હતા તમામે એક અવાજમાં જણાવ્યું હતું કે ‘અમે કોઈ ગોટાળા કર્યા નથી અને અમે એક રૂપિયો પણ લીધો નથી.’ ગયા વર્ષે તમારી સૂચના મુજબ તમારી ચૂંટણી વખતે ઘણા લોકો પેટ્રોલ અને ડીઝલ પૈસા આપયા વગર ભરાવતા હતા તે કારણે તમારા હિસાબમાં ગડબડ થઈ હશે તેવું જણાવતા વધુ ઉશ્કેરાઈ જઈ મેનેજર સહિત પાંચેય જણને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વિરલ ચૌહાણ ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મેં અને મારા કોઈ ફીલરે કોઈ પૈસાનો ગોટાળો કરેલ ના હોવા છતાં કુલદીપસિંહ રાઉલજી અવાર-નવાર પૈસાની ઉઘરાણી કરી ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર અટકાયત કરી હેરાન પરેશાન કરતા હોય તેની સામે કાયદેસર પગલાં ભરવા મારી ફરિયાદ છે એવું જણાવ્યું હતું આ બનાવ તા.ર૧ જુનથી ૧ર જુલાઈ દરમિયાન બનેલ છે.