બલેશ્વરના ક્વોરી માલિકની કાર પર પાંચ અજાણ્યા ઈસમોનો પથ્થરમારો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઝાઝપોર નજીક રાતના પાંચેક જેટલા અજાણ્યા ઈસમોએ એક કાર પર પથ્થરમારો કરતા કારમાં જઈ રહેલ ત્રણ ઈસમોને ઈજા થવા ઉપરાંત કારને નુકશાન થયું હતું. ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના
બલેશ્વર ગામના ચંદ્રકાન્તભાઈ ફતેસીંગભાઈ વસાવા પથ્થરની ક્વોરી ચલાવે છે.ગત તા.૨૩ મીના રોજ તેમની ક્વોરીમાં કામ કરતા દરિયા ગામના નરેશભાઈની દિકરીના લગ્ન હોઈ તેઓ અન્ય ચાર ઈસમો સાથે દરિયા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા.લગ્ન પ્રસંગ પતાવીને તેઓ પાછા ફરતા હતા ત્યારે રાતના પોણા દસેક વાગ્યાના અરસામાં
ઝાઝપોર રેલવે ક્રોસીંગ પાસે સંતાઈ રહેલા પાંચેક અજાણ્યા ઈસમોએ તેમની ફોર વ્હિલ ગાડી પર અચાનક પથ્થરમારો કર્યો હતો. આ પથ્થર મારામાં ચંદ્રકાન્તભાઈ ઉપરાંત તેમના ડ્રાઈવર મહેન્દ્રભાઈને તેમજ ગાડીમાં પાછળ બેસેલ પ્રહલાદભાઈને ઈજાઓ થઈ હતી.
આ પત્થરમારામાં તેમની ફોર વ્હિલ ગાડીને પણ રૂ.૧૫,૦૦૦ જેટલું નુકશાન થયું હતું. પથ્થરમારો કરનાર આ પાંચેક જેટલા ઈસમો અંધારાનો લાભ લઈને નાશી છુટ્યા હતા.આ પથ્થરમારો રાજ્કીય અદાવતને લઈને કરાયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતુ.ચંદ્રકાન્તભાઈ વસાવા રહે.ગામ બલેશ્વર તા.ઝઘડિયાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે કાર પર પથ્થર મારો કરનાર પાંચ જેટલા અજાણ્યા ઈસમો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી હતી.