બળાત્કારનો આરોપી પોલીસ ઉપર હુમલો કરી સિવિલમાંથી ફરાર
બાથરૂમ જવાનાં બહાને કોન્સ્ટેબલનું માથું પછાડતાં તે બેહોશ થઈ ગયા
(પ્રતિનિધિ)અમદાવાદ, અસારવા સિવિલ હોસ્પિટલ ચેકઅપ માટે આવેલો આરોપી સાથે આવેલાં કોન્સ્ટેબલનું માથું પછાડી બેભાન કરીને ફરાર થયાની ઘટના સામે આવતાં પોલીસ દોડતી થઈ છે. ઘટના સમયે નિકોલ પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ એકલાં જ આરોપી સાથે દવાખાને આવ્યા હતા.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે એમ વિકલાંગ મહિલાને સમાજસેવા તરીકે ઓળખ આપી તેની પર બળાત્કાર ગુજારીને ભીખ માંગવા મજબુર કરનાર સંજય ઉર્ફે સન્ની ઈન્દ્રવદન વ્યાસ (શિવમ યોજના, માધવ ફાર્મ, રામોલ)ને નિકોલ પોલીસે ઝડપી લીધો હતો. જેની ગઇકાલે મેડીકલ સારવાર કરવાની હોવાથી કોન્સ્ટેબલ હેમરાજસિંહ એકલા પોલીસની મોબાઈલવાનમાં સંજયને લઈ બપોરનાં સુમારે અસારવા સિવિલનાં ટ્રોમા વોર્ડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટર સાથે વાત કરતાં તેમણે થોડી વાર રાહ જાેવા કહ્યું હતું.
ત્યારે સંજયે બાથરૂમ જવાનું કહેતાં હેમરાજસિંહ તેને બાથરૂમ લઈ ગયા હતા. જ્યાં બંને એકલા હોઈ સંજયે આ સ્થિતિનો લાભ લઈને હેમરાજસિંહનું માથું પકડી વોશબેસીનમાં પછાડ્યું હતું. જેથી હેમરાજસિંહ બેભાન થઈ ગયા હતા અને સંજય ત્યાંથી ફરાર થઈ ગયો હતો. થોડીવાર બાદ હેમરાજસિંહ ભાનમાં આવતાં તેમણે તુરંત પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડતી થઈ હતી. હેમરાજસિંહે આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાંથી થોડાં સમય અગાઉ જ છેડતીનો અન્ય આરોપી પણ ફરાર થઈ ગયો હતો. જે ખાનગી હોસ્પિટલમાંથી મળી આવ્યો હતો. ફરાર થયેલાં સંજયે પોતે સમાજસેવી હોવાનો ઢોંગ કરીને એક દિવ્યાંગ મહિલાને ટ્રાઈસિકલ આપવાની લાલચ આપી હતી. બાદમાં લગ્ન કરવાનાં વચન આપી તેનાં ઘરે લઈ જઈને બળાત્કાર ગુજાર્યાે હતો. લોકડાઉન દરમિયાન મહિલાએ ઘરમાં અનાજની માંગ કરતાં તેણે મારઝુડ શરૂ કરી હતી અને આટલેથી ન અટકતાં તેની પાસે ભીખ મંગાવવાનું શરૂ કર્યું હતું. જાે કે એક દિવસ તકનો લાભ લઈ મહિલા નિકોલ પોલીસ સ્ટેશને પહોંચતા સમગ્ર ઘટના બહાર આવી હતી.