બળાત્કાર કરનાર શખ્સોને ફાંસીના માંચડે લટકાવવામાં આવશે: પ્રદીપસિંહ જાડેજા
અમદાવાદ, આખરે બળાત્કારીઓને સજા અપાવવા માટે સરકાર જાગી છે. આજે સાંજે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ખૂબ જ મહત્વની વાત કરી છે. તેઓએ કહ્યું છે કે તાજેતરમાં જ સુરત, રાજકોટ અને વડોદરામાં બાળકીઓ પર નરાધમોએ વાસના સંતોષવા માટે જે કૃત્ય કર્યું છે. તેને કોઈ પણ હિસાબે ચલાવી શકાય નહીં આવા બળાત્કારીઓને ફાંસીને માચડે લટકાવી દેવા માટે સરકાર તમામ પ્રકારની કાર્યવાહી કરશે.
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજકોટ અને સુરતની દુષ્કર્મની ઘટનામાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે વડોદરામાં કિશોરી પર થયેલા દુષ્કર્મની ઘટનાના આરોપીને ઝડપી લેવા માટે 50 ટીમો કામે લગાવી છે અને સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિતની જુદી જુદી ટેકનિકલ જાણકારી મેળવવામાં આવી રહી છે. ગુજરાતની બહેન દીકરીઓની સલામતી એ બાબત ગુજરાત સરકારની પ્રાથમિકતા છે અને આવા બળાત્કારીઓને મહત્તમ એવી ફાંસીની સજા મળે તે માટે રાજ્ય સરકાર તમામ કાર્યવાહી કરશે.
દુષ્કર્મની આ ત્રણેય ઘટનાઓના કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ખસેડવા માટે પણ હાઈકોર્ટને રજૂઆત કરાશે. એટલું જ નહીં આરોપીઓને જલ્દીથી ફાંસીની સજા મળે તે માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુશન નિમણૂક કરવામાં આવશે તેમજ આરોપીઓ સામેની ચાર્જસીટ જલ્દીથી કોર્ટમાં મુકાશે. ગૃહ ખાતું, પોલીસ અને સરકાર સંયુક્ત રીતે આ તમામ કેસોમાં આરોપીઓને જલ્દીથી ફાંસીની સજા મળે તે માટેની કાર્યવાહી કરશે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે સરકારના નિયમો અને કાયદા મુજબ પીડિતાઓ કે તેમના પરિવારજનોને આર્થિક સહાય આપવાની પ્રક્રિયા હાથ ધરવાની સુચના પણ અધિકારીઓને આપી દેવાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દુષ્કર્મની આવી ઘટનાઓમાં સંવેદનશીલતા બતાવી છે અને કોઈપણ હિસાબે આરોપીઓ જલ્દીથી
હાથમાં આવી જાય અને તેમને સજા થાય તે માટેનો આદેશ પણ તેઓએ આપ્યો છે.
જાડેજાએ કહ્યું કે દુષ્કર્મના આરોપીને સજા અપાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સુરતના લિંબાયતમાં દુષ્કર્મની ઘટનાના આરોપીને સરકારે ફાંસીની સજા અપાવી છે તેમ જ સાબરકાંઠાની દુષ્કર્મની ઘટનામાં પણ આરોપીને 20 વર્ષની સજા અપાવી છે. ઉપરાંત ડિંડોલીના કેસમાં પણ સરકારે આરોપીને સખત સજા અપાવી છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે કિશોરી અને બાળકીઓને બેડ ટચ અને ગુડ ટચ આ અંગે જાગૃતિ આવે તે માટેના જુદા જુદા કાર્યક્રમો પણ યોજાશે.
પ્રદિપસિંહે અંતમાં જણાવ્યું કે ઘણીવાર પરિવારમાં પણ નાની બાળકીઓનું શારીરિક શોષણ થતું હોય છે. જો આવું થઈ રહ્યું હોય તો લોકોએ પોલીસમાં આવીને ફરિયાદ કરવી જોઈએ. જેથી સરકાર આવા નરાધમોને નાથી શકે. કેન્દ્ર સરકારે રચેલા નિર્ભયા ફંડનો ઉપયોગ કેવી રીતે થાય તે માટે સરકાર સંવેદનશીલ છે અને તંત્રને પણ આવા ફંડનો ઉપયોગ કરવા માટેની તાકીદ કરવામાં આવી છે. નિર્ભયા ફંડમાં 60 ટકા રકમ કેન્દ્ર સરકાર આપતી હોય છે અને 40 ટકા રકમ રાજ્ય સરકાર ખર્ચ કરે છે.