બસની ટક્કરે ત્રણેય બાઈક ચાલક રોડ ઉપર પટકાયા

અકસ્માતમાં એક ગામના ત્રણ યુવાનોના કમકમાટી ભર્યાં મોત નીપજતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો
દાહોદ, ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ એસટી બસે બાઈકને ટક્કર મારતા ત્રણ યુવકો રોડ પર પટકાા હતા. ત્રણ પૈકી એક યુવકનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોને પણ ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે ગોધરા રીફર કરવામાં આવ્યાં હતાં.
સારવાર દરમિયાન બે યુવકોનું પણ મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામેથી એક એસટી બસ પૂરપાટ ઝડપે આવી રહી હતી. તે જ સમયે મુકેશ પલાસ, વિપુલ બારીયા અને પ્રવિણ પલાસ નામના ૩ યુવકો એક જ બાઈક પર પસાર થઈ રહ્યાં હતાં.
આ દરમિયાન બસના ડ્રાઈવરે બાઈકને અડફેટે લીધી હતી. ટક્કર બાદ બાઈક પર સવાર ત્રણેય યુવક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બેને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ, એમ્બ્યુલન્સ તેમજ ત્રણેય યુવકોના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિપુલ અને પ્રવિણને સારવાર માટે ગોંધરા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માત સર્જ્યા બાદ એસટી બસનો ડ્રાઈવર બસ મૂકીને ભાગી ગયો હતો. બસ સાથેના અકસ્માતમાં એક જ ગામના ત્રણ યુવાનોના કમકમાટી ભર્યાં મોત નીપજતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.
ગામમાં ત્રણ યુવાનોની એકસાથે અર્થી ઉઠતા પરિવાર અને ગામ લોકોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. અકસ્માત અંગે આમલીમેનપુર ગામે નઢેલાવ ફળિયામાં રહેતાં રેશમબેન પલાસે ધાનપુર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે એસટી ડ્રાઈવરની ધરપકડ કરવા માટની કાર્યવાહી હાથ ધરી છે.