બસપામાંથી ઝંપલાવનાર દાનહના ઉમેદવાર સામે ઠગાઈનો ગુનો દાખલ થયો
દાનહમાં ર૧ દિવસમાં નાણાં ડબલની લાલચ આપી ૭૩ લાખની છેતરપિંડી
વાપી, દાદરાનગર હવેલીમાં ર૧ દિવસમાં રૂ. ડબલ કરવાની લાલચ આપીને ૧૦ વ્યક્તિ પાસે રોકાણ કરાવ્યા બાદ નાણાં પરત ન કરાતાં વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેનો ગુનો દૂધની પોલીસમથકે નોંધાયો હતો. આ કિસ્સામાં આરોપી તરીકે વર્ણવાયેલા સંદીપ શંકર બોરસાએ હાલ દાનહ બેઠક પર બહુજન સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે.
મોટી દમણના નવીનભાઈ ડાહ્યાભાઈ પટેલે ફરિયાદમાં જણાવાયું કે ર૦રરમાં જીએસબી મોરિંગા પ્રા.લિ. તથા જીએસબી ગીતાંજલિ પ્રા.લિ.ના નામથી સંદીપ બોરસા તેમજ દિલીપ બોરસા બિઝનેસ ચલાવતા હતા. સંદીપ બોરસાએ પોતાની કંપનીને પબ્લિક લિમિટેડમાં નવીન પટેલને રોકાણ કરવા કહ્યું હતું.
જે ર૧ દિવસમાં પૈસા ડબલ કરી આપશે તેવી લાલચ આપી હતી. જેમાં નવીનભાઈએ ૩૩ લાખ, મોહમ્મદઅલીએ રૂ. ૪,૬૮,૦૦૦, સુમન પટેલે રૂ૧ર,ર૪,૦૦૦, જયંત પટેલે પ,પ૦,૦૦૦, રણજીત વળવીએ ૪ લાખ, દીપક કનુ પટેલે ૪,૩૯,૦૦૦, જગદીશ પાટકરે રૂ.૩,રર,૦૦૦, બિપીન પટેલે રૂ.૩,૪૮,પ૦૦, હિતેશ ભંડારી ૧,૮૬,૦૦૦ તથા સમન્ય રાઠોડે રૂ.૧,ર૦,૦૦૦નું રોકાણ કર્યું હતું.
આમ કુલ ૭૩,પ૭,પ૦૦નું રોકાણ થયું હતું. આ રોકાણ બાદ સંદીપ બોરસાને વ્યાજ મુદ્દલ ચૂકવવાના હતા પરંતુ રોકાણકારોને કોઈ રકમ ચૂકવાઈ ન હતી જ્યારે સંદીપ બોરસા પાસે રકમ માંગતા તેઓએ નવીન પટેલને અપશબ્દો કહ્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.