બસમાં મહિલાની છેડતી કરી રહેલા વ્યક્તિને પોલીસે ઝડપ્યો
(માહિતી) વડોદરા, શહેર પોલીસના વિવિધ પોલીસ મથકોને સંલગ્ન શી ટીમ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં યોગદાન આપવાની સાથે પોલીસ મથક વિસ્તારમાં બહેન દીકરીઓની સુરક્ષા,મહિલાઓ વિરુદ્ધ ગુનાઓની અટકાયત અને શિક્ષણ સંસ્થાઓની આસપાસ મહિલાઓ,
દીકરીઓની છેડતી કરતા,વિવિધ રીતે ખોટું વર્તન કરતાં લૂખા તત્વોને ડામવાનું કામ કરે છે.આ ટીમના સદસ્યો વિસ્તારના એકલવાયા વડીલોના ખબર અંતર પૂછવા,એમને દવા,અનાજ ઉપલબ્ધ કરાવવા સહિતની સેવા પ્રવૃત્તિઓ પણ કરે છે.
ગઈકાલે પાણીગેટ પોલીસ મથકની શી ટીમે એક ઘટનામાં મહિલા સુરક્ષા માટેની પ્રસંશનીય ફરજ નિષ્ઠા બતાવી છે.
પોલીસ નિયંત્રણ કક્ષને એક અજાણી વ્યક્તિએ એક રૂટ પરની સિટી બસમાં એક વ્યક્તિ અસહાય મહિલાની છેડતી કરતો હોઈ મદદરૂપ થવા વિનંતી કરતો કોલ કર્યો હતો.
નિયંત્રણ કક્ષ દ્વારા પાણીગેટ પોલીસ મથકની શી ટીમે આ ઘટનાને અટકાવવાની જવાબદારી સોંપી હતી.ત્વરિત કાર્યવાહી કરતા શી ટીમના સદસ્ય પોલીસ જવાન અને મહિલા પોલીસકર્મીઓ એ સિટી બસની ઓળખ કરીને,વૃંદાવન ચાર રસ્તા નજીક આ બસને અટકાવીને,બસમાં જઈને મહિલાની છેડતી કરવા બદલ મુકેશ શનાલાલ ચૌધરી નામના વ્યક્તિને ઝડપી પાડયો હતો.
સંબંધિત મહિલાની પોલીસ ફરિયાદની અનિચ્છાને અનુલક્ષીને શી ટીમ જાતે ફરિયાદી બની હતી.અને પાણીગેટ પોલીસ મથકમાં આ વ્યક્તિ સામે જી.પી.એક્ટની કલમ ૧૧૦/૧૧૭ હેઠળ ફરિયાદ દાખલ કરી,કાયદેસર ની કાર્યવાહીના ભાગરૂપે તેને જેલભેગો કર્યો હતો. આ વિસ્તારના એ.સી.પી.શ્રી એસ.જી.પાટીલ અને પોલીસ અધિકારી શ્રી કે.પી.પરમારે શી ટીમની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી છે.