બહારને બદલે ઘરમાં રહેનારા લોકો કોરોનાનો વધુ શિકાર થઇ રહ્યા છેઃ સ્ટડી
સેઉલઃ કોરોના મહામારી સામે જંગની વચ્ચે દક્ષિણ કોરિયાના એક નિષ્ણાતે આખા વિશ્વની માન્યતાથી અલગ સંશોધન કર્યું છે. તેમણે જણાયું કે બહાર કરતા ઘરમાં રહેનારા લોકો કોરોનાનો વધુ શિકાર થાય છે. તેમાં પણ કિશોરો અને વૃદ્ધોને લીધે આ મહામારી ફેલાવવાનું જોખણ વધુ રહે છે. કોરોનાથી બચવા માટે સમગ્ર વિશ્વની સરકારો લોકોને ઘરમાં જ કેદ રહેવાની અને બને તેટલું ઓછું બહાર નીકળવાની સલાહ આપી રહી છે. ત્યારે દક્ષિણ કોરિયાના નિષ્ણાતે એવું શોધ્યું છે કે બહાર કરતા ઘરની અંદર રહેતા લોકોને કારણે સંક્રમણ વધુ ફેલાય છે. તેમની આ અભ્યાસ અમેરિકાના સેન્ટર્સ ફોર્સ ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનમાં 16 જુલાઇએ પ્રકાશિત થયો છે.
દક્ષિણ કોરિયાના મહામારી નિયંત્રણ સેન્ટર (Korea Centers for Disease Control and Prevention)ના ડાયરેક્ટર જનરલ (director-general ) જિઓંગ ઇઉન ક્યોંગ (jeong eun kyeong) સહિતના નિષ્ણાતોએ 20 જાન્યુઆરીથી 27 માર્ચ સુધી સંશોધન કર્યું. જેમાં 5706 કોરોનો પોઝિટિવ દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા 59 હજાર લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં જણાયું કે 100માંથી માત્ર બે લોકો જ ઘરની બહાર કોરોના વાઇરસના સંપર્કમાં આવ્યા. જ્યારે 100માંથી 10 લોકો ઘર પરિવારના જ કોઇ સભ્યને કારણે કોરોના વાઇરસનો શિકાર બન્યા છે.