બહાર આંટો મારીને આવીએ તેમ કહી પ્રેમીએ મિત્ર સાથે મળી પ્રેમિકાના પતિની હત્યા કરી
(એજન્સી)સુરત, સુરત શહેરમાં એક હત્યાનો બનાવો સામે આવ્યો હતો. જેમાં એક યુવકને માથાના ભાગે બોથળ પદાર્થ મારી હત્યા નીપજાવી હત્યારાઓ ભાગી ગયા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી અને જેમાં સામે આવ્યુ કે પત્નીના પ્રેમીએ મિત્ર સાથે મળી પ્રેમિકાના પતિ હત્યા કરી નાખી છે.
રાહુલ અને પ્રશાંત બંને એકબીજાના અંગત મિત્ર હતા. પ્રશાંતની નજર રાહુલની પત્ની પર બગડી હતી અને તેને પ્રેમ જાળમાં ફસાવી દીધી હતી. છેલ્લા ચારેક વર્ષથી તેમની આ પ્રેમલીલા ચાલી રહી હતી અને આ પ્રેમલીલાનો ભાંડો રાહુલની સામે ફૂટ્યો હતો. આ પ્રેમલીલાને લઈ અવારનવાર રાહુલ તેની પત્ની સાથે ઝઘડતો પણ હતો. રાહુલનો અવારનવાર ઝઘડો પત્ની સાથે થતો હોય પ્રશાંત રાહુલને સમજાવવા આવ્યો હતો.
ત્યારે રાહુલ સાથે તેનો ઝઘડો કર્યો હતો કે તેણે મિત્રતામાં ગદ્દારી કરી છે અને આ જ રીતે અવારનવાર રાહુલનો પત્ની અને તેના મિત્ર સાથે ઝઘડો ચાલુ હતો. આ બાબતે રાહુલના ઘરવાળાઓને ખબર પડતા તેમણે પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાહુલની પત્ની પ્રેમી પ્રશાંતની પાછળ ગાંડી થઈ હતી. ત્યારે પ્રશાંતે આનો ઉકેલ કાઢવા માટે તેના મિત્ર પ્રદીપ સાથે મળીને રાહુલને ઘરે લેવા ગયો હતો અને કહ્યું હતું કે,
ચાલ આપણે બહાર આંટો મારીને આવીએ પરંતુ રાહુલની ક્યાં ખબર હતી કે, આ એની જિંદગીનો છેલ્લો આંટો હશે. રાહુલ પ્રશાંત અને તેના મિત્ર પ્રદીપ સાથે બહાર ફરવા ગયો ત્યારે ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભાણોડ્રા નજીક પહોંચ્યા હતા અને ત્યાં એકલતાનો લાભ લઇ રાહુલના માથામાં ફટકો મારી તેની હત્યા નીપજાવી દીધી હતી.