બહાર ભણતા સુરતના યુવાનોએ પહેલી વખત મત આપવા ટિકિટ પણ બુક કરાવી દીધી હતી
સુરતમાં પહેલી વખત મતાધિકાર સાથે થનગનતા યુવાનો નિરાશ
સુરત, સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતાં હવે મતદાન નહીં થશે આ ઘટનાક્રમથી પહેલીવાર મતદાન કરવા માટે અદમ્ય ઉત્સાહ ધરાવતા યુવાઓ નિરાશ થયા છે.
સુરત સંસદીય મત વિસ્તારમાં આ વખતે ૨૯,૫૭૪ યુવા મતદારો એવા હતા કે, જેઓ ફર્સ્ટ ટાઈમ વોટર તરીકે તા.૭મી મે એ પોતાને મળેલા મતાધિકારનો ઉપયોગ કરવા માટે થનગની રહ્યા હતા. આ માટે તેમની કોલેજોમાંથી તેમજ યુવા ભાજપના નેતાઓ, સાઈબર સેલ વગેરેએ પણ ભારે પ્રોત્સાહિત કર્યા હતા.
સોમવારે બપોરે ૩ વાગ્યે જ્યારે એવા સમાચાર વાઈરલ થયા કે સુરત સંસદીય મત વિસ્તારમાં ચૂંટણી ટળી, ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે, એ પછી યુવા મતદારોમાં એક પ્રકારની નિરાશા જોવા મળી હતી. અનેક યુવા મતદારોએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
ફર્સ્ટટાઈમ વોટર્સે જે પોસ્ટ કરી હતી તેમાં નિરાશ વ્યક્ત કરતા લખાયુ હતું કે, પહેલીવાર વોટ કરવા માટે થ્રિલ અનુભવાતા હતા. જોકે, હવે ક્યારે ચાન્સ મળશે એ નક્કી નથી. કેટલાક યુવા વોટર્સે લખ્યું હતું કે, ૭મી મેની વેઈટ કરતા પહેલાં ૨૨મી એપ્રિલે જ ગેમ ઓવર થઈ ગઈ.
પહેલીવાર મતદાન કરવા માટે ખૂબ ઉત્સાહિત લÂબ્ધ ઉમરિયા કહે છે કે, હું વડોદરાની એક પ્રાઈવેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું. પહેલીવાર મારુ નામ મતદાર યાદીમાં સામેલ થયું હતું. ચૂંટણી કાર્ડ પણ ઇસ્યુ થઇ ચૂક્યો હતો. ૭મી મેએ મતદાન કરી શકાય તે માટે મેં ખાસ વડોદરાથી સુરત આવવા ટ્રેનમાં બુકિંગ પણ કરાવી દીધું હતું. જોકે, સુરતની બેઠક ઉપર ચૂંટણી ટળ્યાના સમાચાર મળ્યા કે એક પ્રકારની નિરાશાનો અનુભવ થયો.