બહુચરાજી માતાનું મંદિર ખુલ્યુઃ શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી
![The peak height of Bahucharaji temple will be 71.5 feet](https://westerntimesnews.in/wp-content/uploads/2020/06/Bahuchar-Mata-Temple-scaled.jpg)
(પ્રતિનિધિ દ્વારા)) અમદાવાદ: કોરાનાકાળમાં ભગવાનના મંદિરો બંધ થઈ ગયા હતા. જે ધીમે ધીમે ખુલવા લાગતા શ્રદ્ધાળુઓ ભક્તજનોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. જા કે તમામ મોટા મંદિરોમાં રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર મંદિરોમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દેશનું સુપ્રસિધ્ધ જલારામ મંદિર અને બહુચરાજી માતાજીનું મંદિર આજથી ખુલતા શ્રદ્ધાળુઓ દર્શનાથે પહોંચી ગયા હતા. બહુચરાજીનું મંદિર ૮૯ દિવસ પછી ખુલ્યુ હતુ. સવારથી જ દર્શનાર્થીઓ માતાજીના દર્શન માટે પહોંચી ગયા હતા. મંદિરના પ્રશાસન તરફથી શ્રધ્ધાળુઓનું મેડીકલ ચેકઅપ કર્યા પછી સેનેટાઈઝર સાથે પ્રવેશ આપવામાં આવતો હતો.
સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરાતું હતુ. દેશના સુપ્રસિધ્ધ મંદિરો ખુલતા શ્રધ્ધાળુઓમાં ભક્તિભાવનો માહોલ સર્જાયો છે. જે ભક્તો વર્ષોથી પોતાના આરાધ્યના દર્શને જાય છે એવા શ્રદ્ધાળુ-ભક્તજનો તો દર્શન માટે પહોંચી ગયા હતા. બીજી તરફ રાજકોટમાં આવેલા સુપ્રસિધ્ધ જલારામબાપાનું મંદિર પણ આજથી ખુલી જશે તેમ મનાય છે. મંદિરે શ્રધ્ધાળુઓ આવી શકશે પણ કોરોનાને કારણે હાલમાં ભોજનાલય (પ્રસાદ) શરૂ કરાશે નહીં તેથી ભક્તજનોને પ્રસાદ આપવામાં આવશે નહીં.