બહેરામપુરામાં પિતરાઈ ભાઈના ઝઘડામાં છોડાવવા જતાં યુવાનની હત્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના દાણીલીમડા પોલીસની હદમાં આવતા બહેરામપુરામાં પાંચ ઈસમોએ મળીને એક યુવાનની ઘાતકી હત્યા કરતાં ચકચાર મચી છે મૃતક યુવાનના પિતરાઈ ભાઈને હુમલાખોરો સાથે ઝઘડો થયો હતો જેને મારવા જતાં યુવાન વચ્ચે પડતાં તેને જ ગળા પર છરાના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. પોલીસે આ ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે ફિરોજખાન ગુલાબખાન પઠાણ બહેરામપુરા વિસ્તારમાં રહેતો હતો તેનો પિતરાઈ ભાઈ મોહમદ હુસેન ઉર્ફે જીનીયો અન્ય એક ઈસમ મોહમદ આસીફ શેખ ઉર્ફે કાંગારૂ સાથે મારામારીના કેસમાં સાબરમતી જેલમાં બંધ હતો એ વખતે બંને વચ્ચે કોઈ અણબનાવ થયો હતો.
બાદમાં થોડા દિવસ અગાઉ જીનીયો અને કાંગારૂ જેલમાંથી છુટીને બહાર આવ્યા હતા અને સોમવારે રાત્રે મળ્યા હતા તેમની વાતચીત વખતે જેલવાળા અણબનાવનો ઉલ્લેખ થતાં ફરી બંને ઝઘડી પડયા હતા આ વખતે ઉશ્કેરાયેલો કાંગારૂ છરા સાથે તેના સાગરીતોને લઈને જીનીયાને મારવા આવ્યો હતો એ વખતે ફિરોઝને જાણ થતા તે બંનેની વચ્ચે પડતાં કાંગારૂએ તેના ઉપર છરા વડે હુમલો કરતા ઘટના સ્થળ જ પર જ તેનુ મૃત્યુ થયું હતું આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.
જાણ થતાં જ પોલીસ સંતોષનગર ચાર માળીયા ખાતે પહોંચી ગઈ હતી અને વહેલી સવાર સુધીમાં મુખ્ય આરોપી આસીફ ઉર્ફે કાંગારૂ અને મુઝઝફર શેખ તથા બાબુ શેખને ઝડપી લીધા હતા જયારે અન્ય બે ફરાર ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે મૃતક તથા તેના પિતરાઈ સહીતના યુવાનો શાકભાજીનો વેપાર કરી ગુજરાન ચલાવતા હતા.