Western Times News

Gujarati News

બહેરામપુરા-દાણીલીમડામાં ફેકટરીઓનાં જોડાણ કપાતાં રોડ પર ગટરનાં પાણી વહ્યાં

પ્રતિકાત્મક

કાપેલાં જોડાણ ફરી કરી દેનાર ફેકટરીઓ સામે રહેમનજરઃ બોધપાઠરૂપ કોઈ પગલાં નહીં

(એજન્સી)અમદાવાદ, સાબરમતી નદીને પ્રદુષીત કરતાં કેમીકલયુકત પાણી છોડતાં ઔધોગીક એકમોનાં ગેરકાયયદે ગટર જોડાણો કાપ્યાનાં દાવા કરતાં મ્યુનિ. ઈજનેર ખાતાએ બહેરામપુરા-દાણીલીમડામાં વધુ એકવાર ગેરકાયદે ગટર જોડાણો કાપતાં પીરાણા ડમ્પ સાઈટથી ખોડીયારનગર તરફનાં રોડ પર ગટરનાં પાણીની નદી વહેતી થઈ છે. જેના પગલે ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે.

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઈનો, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનોમાં ગેરકાયદે જોડાણો કરવાની ફરીયાદો અવાર નવાર ઉઠવા પામે છે. શહેરના દક્ષીણ ઝોનમાં આવેલ ખોડીયાર નગરથી પીરાણા ડમ્પ સાઈટ વિસ્તારમાં ગેરકાયદે જોડાણો કાપી નાંખવામાં આવ્યા પછી ફરીથી ગેરકાયદે જોડાણો કરી દેવાને કારણે ગટરના ગંદા પાણી ઉભરાવવાની ઘટના જોવા મળી છે.

ખોડીયારનગરથી પીરાણા ડમ્પ સાઈટ તરફના લગભગ દોઢથી બે કિ.મી.ના રોડની સાઈડમા ડ્રેનેજના ગંદા પાણી ભરાયેલા હોવાને કારણે તીવ્ર વાસ મારે છે. અને ગંદકી ફેલાઈ છે. ગટરના ગંદા પાણી ભરાવાને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત સર્જાઈ છે.

સુત્રોએ સ્વીકાર્યું હતું કે, હાઈકોર્ટમાં સાબરમતી નદીને પ્રદુષીત કરતાં કેમીકલયુકત પાણી મ્યુનિ. ગટર લાઈનમાં છોડવાનાં મામલે ગંભીર નોધ લેવાયા બાદ ઉત્તર પૂર્વ દક્ષીણ અને મધ્ય ઝોનમાં નાનામોટા ઔધોગીક એકમોના ગેરકાયદે ગટર જોડાણો કાપવાની ઝુંબેશ ચલાવાઈ હતી. પરંતુ થોડા સમયય બાદ સ્થાનીક રાજકારણીઓ વોર્ડના ઈજનેરો-મજુરો વગેરેના મેળાપીપણામાં અનેક જગ્યાએથી ફરી ગટર જોડાણો થઈ ગયાં છે.

તેમાંય બહેરામપુરા-દાણીલીમડાનાં હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીગનાં એકમો માટે કરોડોનાં ખર્ચે સીઈટીપી બનાવાયા પછી ક્ષમતાં કરતાં વધુ પાણી આવવાની સમસ્યા સર્જાઈ હતી. તેને પગલે જીપીસીબીએ કલોઝર નોટીસ ફટકાર્યા બાદ સીઈટીપીમાં ઓછું પાણી આવતું થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ આ એકમોના વધારાનાં પાણીને ફરી મ્યુનિ. ગટર લાઈનમાં છોડવાનું શરૂ કરાયું હોવાથી સીઈટીપીમાં કેમીકલયુકત પાણીનો ઘટાડો થયો હોવાનું ચર્ચાઈ રહયું છે.

દરમ્યાનમાં પીરાણા ડમ્પ સાઈટથી ખોડીયારનગર ચાર રસ્તા તરફનો રોડ ઉપર છેલ્લા ચાર પાંચ દિવસથી ગટરનાં ગંદા પાણી રોડ પર નદીની જેમ વહી રહયાં છે. આ બાબતે તપાસ કરતાં એવું જાણવા મળ્યુ કે, બહેરામપુરા-દાણીલીમડાની ફેકટરીઓને ગેરકાયદે ગટર જોડાણ કાપવામાં આવ્યા છે. અને મેનહોલ બંધ કરી દેવાયા છે. તેમાં કોઈ ભુલ થઈ જતાં મ્યુન.ની ગટર લાઈનનાં પાણી મેનહોલમાંથી ઉભરાઈને રોડ પર વહેતાં થયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.