બહેરિનમાં મહિલાઓએ ગણપતિની મૂર્તિઓ તોડી

પોલીસે તાત્કાલિક ધરપકડ કરી: સરકારે બનાવને વખોડી કાઢ્યો: ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ
દુબઈ, બહેરીનની એક સુપર માર્કેટમાં વેચાવા માટે મૂકાયેલી ગણપતિની મૂર્તિઓને કેટલીક બુરખાધારી મહિલાઓએ તોડી નાખી હતી. આ મહિલાઓ જોરજોરથી એવું કહેતી હતી કે આ એક મુસ્લિમ દેશ છે. અહીં આવી મૂર્તિઓ વેચી શકાય નહીં. બહેરીનની પોલીસે તરત આ બંને મહિલાઓની ધરપકડ કરી હતી. બહેરીનના ગૃહ ખાતાએ કહ્યું હતું કે એક ધાર્મિક સમુદાયની ઘાર્મિક લાગણી દૂભાવવાનો, ધાર્મિક પ્રતીકોને નુકસાન કરવાનો અને સુપર માર્કેટની એક દુકાનમાં ભાંગફોડ કરવાનો કેસ ૫૪ વર્ષની એક મહિલા સામે માંડવામાં આવ્યો હતો.
બહેરીનના ગૃહ ખાતાએ એવી સ્પષ્ટતા કરી હતી કે આવાં કૃત્યોને અમારી સરકાર માન્યતા આપતી નથી. સોશિયલ મિડિયા પર વાઇરલ થયેલી વિડિયો ક્લીપમાં બે બુરખાધારી મહિલાઓ સુપરમાર્કેટની એક દુકાનમાં ઊભેલી દેખાય છે. એક મહિલા ગણપતિની મૂર્તિઓ એક પછી એકઉપાડીને ફર્શ પર પટકીને તોડી નાખતી દેખાય છે. આ દરમિયાન બીજી મહિલા આ આખીય ઘટનાને પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરતી દેખાઇ હતી.
ત્યારબાદ બંને મહિલાઓએ અરબી ભાષામાં સુપરમાર્કેટના એક કર્મચારીને ધમકાવવા માંડ્યો હતો. આ મહિલાઓ કહી રહી હતી કે આ મુહમ્મદ બિન ઇસાનો દેશ છે. શું તમને એમ લાગે છે કે આવી મૂર્તિઓ અહીં વેચવાની પરવાનગી તેમણે આપી છે?બીજી મહિલાએ સુપર માર્કેટના કર્મચારીને દબડાવતાં કહ્યું કે પોલીસને બોલાવવી હોય તો બોલાવો. અમે જોઇએ છીએ કે કોણ અહીં આ મૂર્તિઓની પૂજા કરે છે. આ દેશ ઇસ્લામમાં માનતા લોકોની બહુમતી ધરાવતો દેશ છે.SSS