બહેરિનમાં સ્વામિનારાયણ મંદિર માટે જમીન ફાળવાઈ
અમદાવાદ, બેહરીનમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું ભવ્ય મંદિર બનવાનું છે. બેહરીનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સલમાન બિન હમદ અલ ખલીફાએ મંદિર બનાવવા માટે જમીન ફાળવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે અને ક્રાઉન્સ પ્રિન્સનો આભાર માન્યો છે.
તેમણે લખ્યું છે ક્રાઉન પ્રિન્સ અને બેહરીનના વડાપ્રધાન એચઆરએચ પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફા સાથે ઉષ્માભરી વાતચીત થઈ. સ્વામિનારાયણ મંદિર માટે મંદિર ફાળવવા સહિત ભારતીય સમુદાયની જરૂરીયાતો પર ધ્યાન આપવા માટે તેમનો આભાર માનુ છું.
બેહરીનમાં સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જમીન ફાળવતા બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય સાધુ બ્રહ્મવિહારીદાસજીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ક્રાઉન પ્રિન્સ અને બેહરીનના વડાપ્રધાન એચઆરએચ પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફાનો આભાર માન્યો હતો.
તેમણે ચાર વર્ષ પહેલાના પ્રસંગને યાદ કરતાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૭માં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દિવાળી પર્વ નિમિત્તે યોજાયેલી સત્સંગ સભામાં પ્રિન્સે હાજરી આપી હતી.
સભા દરમિયાન બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને તેમના દાદા શેખ ઈસાની તસવીર જાેઈને ક્રાઉન પ્રિન્સે ‘ત્રણ પેઢીથી આપણા પ્રેમના સંબંધ’ હોવાનું કહ્યું હતું. તેમણે તેમના દાદાના પ્રસંગને યાદ કરીને ફરીથી એક વાક્યનું પુનરાવર્તન કર્યું હતું કે, ‘મેક બેહરીન યોર હોમ’ (બેહરીનને તમારું ઘર બનાવો)’.
સંત બ્રહ્મવિહારીદાસજીએ ઉમેર્યું હતું કે, ‘૧૯૯૭માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી જ્યારે ધર્મયાત્રા-વિચરણ દરમિયાન બેહરીન ગયા હતા ત્યારે બેહરીનના રોયલ પેલેસમાં કોઈ ધર્મના ધર્મગુરુને બોલાવવામાં આવ્યા હોય તેવું ત્યાંના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું હતું. તે સમયે શેખ ઈસાએ પોતે પ્રમુખસ્વામી મહારાજને તેમના રોયલ પેલેસમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું.
મહારાજ તેમના પ્રાણપ્રિય હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ લઈને બેહરીનના રોયલ પેલેસમાં પધાર્યા હતા. આ સમયે શેખે તેમને ‘તમારું ઘર ક્યાં છે?’ તેવો સવાલ કર્યો હતો. તે સમયે તેમની સાથે ગયેલા કેટલાક સંતોએ શેખ ઈસાને જણાવ્યું હતું કે ‘સ્વામિજી તો સતત વિચરતા રહે છે. પ્રમુખસ્વામી મહારાજ ક્યાંય ઘર બનાવીન રહ્યા નથી. છતાં તેમણે ૧૭ હજાર ગામનું વિચરણ કર્યું છે અને અઢી લાખથી વધુ ઘરની મુલાકાત લીધી છે’. આ સાંભળીને શેખ ઈસાએ તેમને ‘બેહરીનને તમારું ઘર બનાવો’ (મેક બેહરીન યોર હોમ) તેમ પ્રેમપૂર્વક કહ્યું હતું’.
આ પ્રસંગને યાદ કરીને ક્રાઉન પ્રિન્સે ખૂબ જ રાજી થઈને હરિભક્તોની ઉપસ્થિતિમાં ત્યાં હાજર રહેલા બેહરીનના વરિષ્ઠ અધિકારીઓને જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજના સંવાદમાંથી સમગ્ર દેશનું મુખ્ય સૂત્ર બનાવવાનું જાેઈએ કે ‘મેક બેહરીન યોર હોમ.SSS