બાંગ્લાદેશથી નદી તરીને ચોકલેટ માટે આવેલો છોકરો ત્રિપુરામાંથી ઝડપાયો
સેપાહિજાલા, એક બાંગ્લાદેશી છોકરાને ચોકલેટ માટે લાંબુ અંતર કાપીને ભારત આવવા બદલ જેલના સળિયા પાછળ ધકેલાવાનો વારો આવ્યો છે.ઈમાન હુસૈન નામનો છોકરો બાંગ્લાદેશમાં આવેલા પોતાના ઘરેથી નીકળીને ભારતમાં ચોકલેટ લેવા માટે નદીમાં તરીને આવ્યો હતો.
નદીમાં તરીને ભારત પહોંચેલો છોકરો ફેન્સિંગ ક્રોસ કરીને દેશમાં પ્રવેશ્યો હતો. આ પછી તેણે અહીંથી એક દુકાનમાંથી ચોકલેટોની ખરીદી કરી હતી. બીએસએફના જવાનોએ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસેલા ૧૮ વર્ષથી નાની ઉંમરના છોકરાને ત્રિપુરાના સેપાહિજાલા જિલ્લાના કાલામોચુરામાં ઝડપી લીધો હતો.
આ છોકરાએ પકડાયા પછી જણાવ્યું કે તે માત્ર ચોકલેટ લેવા માટે આટલો કષ્ટ વેઠીને ભારત આવ્યો હતો, પરંતુ તે બીએસએફના જવાનોને આ વાત સમજાવવામાં નિષ્ફળ રહ્યો હતો. અહીં બીએસએફના જવાનો દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું છે.
ઈમાન નામના છોકરાને પ્રાણીઓનું સ્મગલિંગ કરતી ગેંગનો ગણાવીને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. જેને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેને ૧૫ દિવસ માટે જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે તેની સામે ભારતીય પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. બાંગ્લાદેશના ઈમાન પાસેથી તેના દેશના ૧૨૦ ટાકા (બાંગ્લાદેશી નાણું) સિવાય કશું મળ્યું નથી.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈમાને પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું છે કે તેને ભારતીય બનાવટની જાણીતી ચોકલેટ ખાવાની ઈચ્છા હતી અને તેના માટે તેણે ઘણી વખત બોર્ડર પાર કરી છે. દુકાનદારે પણ આ કેસમાં પોલીસને જણાવ્યું કે માત્ર ઈમાન જ નહી પરંતુ અન્ય બાળકો પણ નદીમાં ઉતરીને (અને બીએસએફથી બચીને) ચોકલેટ ખરીદવા માટે આવે છે, જેમાં નાનાકડી છોકરીઓનો પણ સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું કે બાળક ઈમાનનો દાવો સાચો હોઈ શકે છે પરંતુ અન્ય બાબતોની પણ તપાસ કરવી જરુરી છે. ગામના કેટલાક લોકોએ એ વાત સામે વાંધો ઉઠાવ્યો કે શા માટે જવાનો દ્વારા બાળકને માર મારવામાં આવ્યો? આ સાથે કમાન્ડિંગ ઓફિસ સામે પણ પગલા ભરવા માટે માંગ કરી છે.
સેપાહિજાલા જિલ્લાના પોલીસ અધિકારીએ આ ઘટના અંગે જણાવ્યું કે, અમે આ ગેરકાયદેસ ત્રિપુરામાં ઘૂસણખોરીના કેસમાં તમામ પાસા ચકાસી રહ્યા છીએ. જાેકે, તેના કોઈ સગાએ હજુ સુધી અમારો સંપર્ક કર્યો નથી. પરંતુ અમે અની સારી સારસંભાળ રાખી રહ્યા છીએ. આ ઘટનામાં હજુ સુધી બીએસએપ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.HS