બાંગ્લાદેશની આઝાદીમાં મેં ધરપકડ વહોરી હતી : મોદી
ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશની સ્વતંત્રતાના ૫૦ વર્ષ પૂરા થવાને લઈ ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગ્લાદેશની રાજધાની ઢાકામાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આજે સવારે પહોંચ્યા હતા.
ઢાકાના નેશનલ પરેડ સ્ક્વેયરમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે બાંગ્લાદેશની આઝાદી માટે સંઘર્ષમાં શામેલ થવું મારા જીવનનું પહેલું આંદોલન હતું. બાંગ્લાદેશની આઝાદીમાં પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીજીનું યોગદાન નિર્વિવાદિત છે. મારી ઉંમર તે સમયે ૨૦-૨૨ વર્ષની હશે જ્યારે મારા કેટલાક સાથી મિત્રોએ બાંગ્લાદેશના લોકોની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો. આઝાદીના સમર્થનમાં મે પણ ધરપકડઆપી હતી અને જેલ પણ ગયો હતો.
બાંગ્લાદેશના મારા ભાઇઓ-બહેનો, અહીની યુવા પેઢીને એક વાત ગર્વથી યાદ અપાવા માગુ છુ કે બાંગ્લાદેશની આઝાદી માટે સંઘર્ષમાં શામેલ થવું મારા જીવનનું પહેલું આંદોલનમાંથી એક હતું. બાંગ્લાદેશના લોકો અને ભારતીયો માટે આશાનું કિરણ હતુ બંગબંધુ શેખ મુજીબુર રહેમાન. બંગબંધુના નેતૃત્વએ નિશ્ચય કરી નાખ્યું હતું કે કોઇ તાકાત બાંગ્લાદેશને ગુલામ નહીં રાખી શકે.
બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને ગાંધી શાંતિ પુરસ્કારથી સમ્માનિક કરવાની તક મળવી એ મારા માટે ગર્વની વાત છે. બંગબંધુ શેખને બાંગ્લાદેશના જનક માનવામાં આવે છે. ગાંધી શાંતિ પુરસ્કાર, ભારત સરકાર દ્વારા ૧૯૯૫થી મહાત્મા ગાંધીની ૧૨૫મી જયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં અપાતો વાર્ષિક પુરસ્કાર છે.
આ સુખદ સંયોગ છે કે બાંગ્લાદેશની આઝાદીના ૫૦ વર્ષ અને ભારતની આઝાદીના ૭૫ વર્ષનો પડાવ એક સાથે આવ્યો છે. અમે બંને દેશ માટે ૨૧મી સદીમાં આગામી ૨૫ વર્ષની યાત્રા મહત્વપૂર્ણ છે. આપણી વિરાસત અને વિકાસ પણ સહિયારો છે.