બાંગ્લાદેશમાં શેખ હસીનાના પક્ષના નેતાઓ સહિતના આગેવાનોની હત્યા
લગભગ ૪૫૦ પોલીસ સ્ટેશનોને આગ ચાંપી દેવામાં આવી
(એજન્સી)ઢાકા, શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને દેશ છોડીને ભાગી ગયા બાદ, બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. પોલીસ ના તો પોલીસ સ્ટેશનોમાં દેખાઈ રહી છે કે ના તો ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં. સમગ્ર બાંગ્લાદેશમાં પોલીસ સ્ટેશનો અને પોલીસ કેન્દ્રો પર હુમલા થયા છે. બધે ટોળે જ ટોળા દેખાય છે. ટોળાઓએ કેટલાક રાજકીય નેતાઓ, ફિલ્મ કલાકારો તથા વિવિધ ક્ષેત્રના આગેવાનોની કરપીણ હત્યા કરી નાંખી છે.
ડઝનેક પોલીસકર્મીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જેના કારણે દેશમાં અરાજકતાભરી સ્થિતિ સર્જાઈ છે. બધે ટોળાશાહી જ જોવા મળી રહ્યું છે. હિંસા પર ઉતરી આવેલ ટોળા બાંગ્લાદેશની લઘુમતી એવા હિન્દુઓને પણ વ્યાપક નિશાન બનાવી રહ્યા છે.
ટોળા દ્વારા માત્ર પોલીસ જ નહીં પરંતુ અવામી લીગના નેતાઓ અને ઓફિસોને પણ નિશાન બનાવવામાં આવી છે. તો બીજીબાજુ હિન્દુ સહીતની લઘુમતી અને ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવ્યા છે. ફેનીમાં પૂર્વ સાંસદ નિઝામ ઉદ્દીન હજારી અને અલાઉદ્દીન અહેમદ ચૌધરી નસીમના ઘરમાં આગ લગાવી દઈને લૂંટફાટ મચાવી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, અત્યાર સુધી અવામી લીગના નેતાઓ અને તેમના પરિવારના સભ્યોના ૨૯ મૃતદેહ મળી આવ્યા છે. તો અનેક હિન્દુઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે. શેખ હસીના વિરુદ્ધનું આ આંદોલન હવે બિન મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે થયું હોય તેવી લાગી રહ્યું છે.
આંદોલનકર્તા આયોજકો અને જમાતના નેતાઓની અપીલ છતાં, ભીડ બેકાબૂ છે અને ૪પ૦ જેટલા પોલીસ સ્ટેશનોને સળગાવી દીધા છે. ઘણા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતાનો જીવ બચાવવા લપાઈ ગયા છે અને પોલીસ સ્ટેશનો ખાલી પડ્યા છે. પોલીસકર્મીઓ પોતે પણ તેમની સુરક્ષાની ખાતરી માંગી રહ્યા છે. જેથી તેઓ તેમની ફરજ પર પાછા આવી શકે.